પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શ્રીરામકૃષ્ણે તેને એક ભજન ગાવાનું કહ્યું અને તે ભજન સાંભળીને શ્રીરામકૃષ્ણ હર્ષનાં આંસું લાવી બોલી ઉઠ્યા: “ઘણાં વર્ષથી હું તારી રાહ જોયા કરૂં છું આખરે તું આવ્યો છું !” પછી તે સમાધિમાં આવી ગયા અને થોડીવાર પછી પાછા બોલવા લાગ્યા; “હું તારી રાહ જોયા કરૂં છું. તેં ‘આવતા’ વાર કેમ કરી ? સંસારી માણસો સાથે વાતો કરી કરીને મારું ગળું પણ સુકાઈ ગયું !”

શ્રીરામકૃષ્ણ ઘણાજ સરલ ભાવથી અને સાદા શબ્દો બોલતા હતા. નરેન્દ્રનો અંતરાત્મા તે સાંભળીને ક્ષણવાર ઉચ્ચ દશાને પ્રાપ્ત થતો હતો. આ કેમ થતું હશે તે નરેન્દ્ર સમજી શક્યો નહિ, પોતાના મનમાં તે વિચારવા લાગ્યો : “શું આવો તે મહાન ઉપદેશક હોઈ શકે ?” જરાક નજીક તે ગયો અને આ સાદા, બાળક જેવા, પણ સમર્થ અને પ્રભાવશીલ સાધુના તેજમાં અંજાયો.

આગળ ઉપર સ્વામી વિવેકાનંદ આ પ્રથમ મુલાકાતનો અનુભવ પોતાના શિષ્યોને આ પ્રમાણે કહેતા હતા :– “હું તે વખતે વિચાર કરતો હતો કે રામકૃષ્ણ કેવો ગાંડો માણસ છે ! શું રામદાદાએ મને આ ગાંડા માણસની પાસે મોકલ્યો છે ! મારી બુદ્ધિ કહે છે કે તે ગાંડો છે, પણ મારૂં અંતઃકરણ તો તેના તરફ ખેંચાય છે ! આ ગાંડો માણસ નવાઈ જેવો છે ! તેની આકર્ષણ શક્તિ અલૌકિક છે ! તેનો પ્રેમ અમાનુષી છે ! મેં તેને ગાંડો ધાર્યો પણ હું તેનાથી ચકિત થઈ ગયો. આ એક નવાઈ જેવો અનુભવ છે.”

કેટલીક વાર બેઠા પછી નરેન્દ્રે ઘેર જવા માંડ્યું. શ્રીરામકૃષ્ણે તેને ફરીથી આવવાની ભલામણ કરી. નરેન્દ્રે ફરીથી આવવાનું વચન આપ્યું. તે ફરીથી ગયો અને શ્રીરામકૃષ્ણે તેને ભજન ગાવાનું કહ્યું. નરેન્દ્રે ગાવા માંડ્યું એટલે શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા “જુઓ, વિદ્યાદેવી સરસ્વતિનો પ્રકાશ તેના મુખ ઉપર કેવો ઝળકી રહ્યો છે ?”