પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫
શ્રીરામકૃષ્ણનો સમાગમ.


વળી શ્રી રામકૃષ્ણે સવાલ પૂછ્યો “ઉંઘતા પહેલાં ચળકતો પ્રકાશ તારી નજરે પડે છે ?” નરેન્દ્રે હા કહી અને પોતાનો અગાઉનો અભ્યાસ તથા અનુભવ જણાવ્યો. શ્રી રામકૃષ્ણે કહ્યું “હા, ખરી વાત છે. આ છોકરો ધ્યાન સિધ્ધ છે. જે પણ બાબતમાં તે પોતાનું ચિત્ત પરોવે તેમાં તે તલ્લીન બની જાય છે. તેની ઉંઘ પણ એક જાતનું ઈશ્વરનું ધ્યાનજ છે.” નરેન્દ્ર ફરીથી સ્તબ્ધ બની ગયો ! તે ઘેર જવા નીકળ્યો અને વિચાર કરવા લાગ્યો “મહર્ષી દેવેન્દ્રનાથે પણ કહ્યું હતું કે છોકરા તારી આંખો યોગીના જેવી છે. મહર્ષિ દેવેન્દ્રનાથ અને શ્રી રામકૃષ્ણ આ માણસો તે કેવાક હશે ! મારા વિષે આ બંનેનું કહેવું ખરૂં હશે ?” તેણે ઘેર ગયા પછી રામદાદાને શ્રી રામકૃષ્ણ વિષે પુછ્યું અને તેમણે જવાબ આપ્યો કે શ્રીરામકૃષ્ણ એક અલૌકિક માણસ છે. તે ઘણાજ ધર્મિષ્ઠ છે, તેમનામાં સંસારની વાસના એક તલ માત્ર પણ નથી, તે દ્રવ્યને ધિક્કારે છે, દરેક સ્ત્રીને પોતાની માતા ગણે છે, તે ખરેખરા યોગી છે. તેમણે ઈશ્વરનાં દર્શન કર્યા છે.”

જ્યારે નરેન્દ્ર શ્રી રામકૃષ્ણને મળ્યો, ત્યારે શ્રી રામકૃષ્ણ આધ્યાત્મિક જીવનરૂપી કમળનું સંપૂર્ણ ખીલી રહેલું પુષ્પ હોય તેવા બની રહ્યા હતા અને તેમના જીવન કુસુમની સુવાસ લેવાને અનેક માનવ ભ્રમરો તેમના તરફ ખેંચાઈ આવવા લાગ્યા હતા.

શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં દેવીના વિશાળ મંદિરની એક ઓરડીમાં રહેતા, કોઈ કોઈ વાર તેઓ એ ઓરડીના છાપરાપર ચઢીને પોકાર કરતા કે “ઓ મા, ઓ મા, મારો ઉપયોગ લેનારા ક્યાં છે ? તેમને મારી પાસે મોકલ.” ધીમે ધીમે અનેક મનુષ્યો તેમની પાસે આવી તેમના ઉપદેશામૃતનું પાન કરવા લાગ્યા હતા. હવે આ તેમનો ભાવી પટ્ટ શિષ્ય પણ તેમને આવી મળ્યો ! શિષ્યો અને ગુરૂ ઈશ્વર