પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૭
શ્રીરામકૃષ્ણના સમાગમ.


યુક્તિઓ કરી રહ્યા હતા. માત્ર ધર્મનો ઉપદેશ કરીને જ તે અટકતા નહોતા, પણ તે ઉપદેશ પ્રમાણે તેમનું ચારિત્ર ઘડવાને એક પ્રકારનો આધ્યાત્મિક જુસ્સો અને બળ તેમનામાં ઉત્પન્ન કરતા. શ્રીરામકૃષ્ણનું જીવન, તેમના બોધનો પ્રવાહ, સહજ સહજ નિમિત્તોથી વારંવાર તેમનું સમાધિમાં આવી જવું, આ સઘળું શિષ્યનાં અંતઃકરણ ઉપર ઉંડી છાપ પાડી રહ્યું હતું. બાર વરસ સુધી તેમણે યોગ સાધ્યો હતો અને તપાચરણ કર્યું હતું.

તેઓ એક હાથમાં સોનાનો કકડો લેતા અને બીજા હાથમાં માટીનું ઢેફું લઈ ગંગાના કિનારે બેસતા અને કહેતાઃ “આ સોનું જગતની વસ્તુઓ પ્રાપ્ત કરાવશે, પણ ઈશ્વરને ઓળખાવવાની તેમાં શક્તિ નથી. ઉલટું તે આડે આવે છે, જે વસ્તુ ઈશ્વર પાસે લઈ જય નહિ તે ધૂળજ છે" એમ કહીને પેલો સોનાનો કડકો અને માટીનું ઢેફું બંનેને તિરસ્કારથી ગંગામાં ફેંકી દેતા. ફરીથી શ્રી કાળીદેવીના પૂજારી તરીકે રહેવાનું અને મંદિરની મોટી આવક ભોગવવાનું તેમને કહેવામાં આવ્યું, પણ તેમણે જવાબ આપ્યો “હું પૈસાને શું કરીશ ! શા માટે શ્રી મહાકાળી આવાં માણસને મારી પાસે લાવે છે ?” ઘણી વખત કેટલાક શિષ્યો તેમની પરીક્ષા કરતા. એક વખત એમને એક ઘરમાં લઈ જવામાં આવ્યા. તે મકાનમાં બે ત્રણ નાચનારી વેશ્યાઓ સંતાડી રાખવામાં આવી હતી. શ્રીરામકૃષ્ણને એકલા મૂકીને સૌ શિષ્યો બહાર નીકળી ગયા. પેલી નાચનારીઓ તેમની પાસે આવીને ઉભી રહી. તેમને જોઈને શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યાઃ “એ મા, એ મા, મને અહીં ક્યાં આણ્યો ” તેમનું શરીર મડદા જેવું થઇ ગયું અને તેમને સમાધિ આવી ગઈ ! સર્વત્ર પવિત્રતા વ્યાપી રહી. નાચનારીઓ મનમાં પસ્તાવા લાગી અને શ્રી રામકૃષ્ણને પગે પડી અને સૌને તે કહેવા લાગી. “તમે આ સાધુને અહીં શા માટે આણ્યો છે?