પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


એ તો શુકદેવ છે ! એ તો ઈશ્વરનો માણસ છે ! અમને તો એ એક બાળક જેવો દેખાય છે.” આવી આવી અમાનુષી લીલા નરેન્દ્ર જોતો અને વિસ્મય પામતો ! તે એકલોજ શ્રીરામકૃષ્ણનો મહિમા ઉંડાણથી સમજી શકતો. તે એકલોજ તેમના શબ્દો ઉપર ઉંડો વિચાર કરતો. તે એકલોજ વિવિધ પ્રકારની શંકાઓ કરતો. શ્રીરામકૃષ્ણ તેનું એ વિચાર સ્વાતંત્ર્ય અને જાહેર હિંમતનો ગુણ પસંદ કરતા, શિષ્યની શંકાઓ દબાવી દેવી એમ તે ઇચ્છતા નહોતા. “મા, મારા જાત અનુભવમાં પણ શંકા કરે એવો શિષ્ય મને આપજે.” એમ માતા પાસે તેમણે યાચના કરી હતી અને તેવોજ શિષ્ય તેમની પાસે આવ્યો હતો, તેથી નરેન્દ્રની શંકાઓથી શ્રીરામકૃષ્ણ ઉલટા ઘણાજ રાજી થતા હતા. બુદ્ધિના વિકાસ કરતાં હૃદયનો વિકાસ અને શુદ્ધ ચારિત્ર તે વધારે પસંદ કરતા. જે અમાનુષી પ્રેમના પટ તેમણે તેમના શિષ્યોના ચારિત્રમાં બેસાડ્યા છે અને જે આધ્યાત્મિક જીવનનો પ્રવાહ તેમના જીવનમાં વહેવરાવ્યો છે તેનું માપ કહાડવું મુશ્કેલ છે.

નરેન્દ્ર શ્રીરામકૃષ્ણના જીવનના અનેક બનાવો જોઇને વિસ્મય પામતો અને તેની નજર આગળ ગળાતું અમાનુષી જીવન જોઇને તેનું ચારિત્ર ઘડાતું. શિષ્યને સુધારવામાં એકલો બોધ શું કરે ? ગુરૂનું ચારિત્રજ તેમાં મુખ્ય સાધન છે ! ચારિત્રના પ્રભાવ વગરનો બોધ નકામો જાય છે ! શ્રીરામકૃષ્ણ વિદ્વત્તા કરતાં ચારિત્રને પ્રાધાન્ય આપતા અને શિષ્યના મગજમાં ઠસાવતા કે જગતમાં ચારિત્ર એજ ખરી વસ્તુ છે. એ શિવાયનું બીજું ગમે તે અને ગમે તેટલું હોય તોપણ તે બધું નકામું છે.

એક પછી એક એમ અનેક સવાલ નરેન્દ્ર પૂછવા લાગ્યો. તેણે અનેક તર્ક વિતર્ક કર્યા. વિવાદ કરવામાં તે સિંહ જેવી ગર્જના કરવા લાગ્યો. બધા શિષ્યો ચકિત થઈ રહ્યા. શ્રીરામકૃષ્ણની સમક્ષ