પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯
શ્રીરામકૃષ્ણનો સમાગમ.


સૌની સાથે ધાર્મિક વિષયો ચર્ચાવા લાગ્યો અને સર્વને પોતાના જ્ઞાનથી હરાવવા લાગ્યો. પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાંથી અને અર્થશાસ્ત્રોમાંથી સૂક્ષ્મ પ્રશ્નો પૂછીને સૌને ગભરાવવા લાગ્યો. તેનું જ્ઞાન જોઈને શ્રી રામકૃષ્ણ વિસ્મય પામતા અને સમાધિમાં આવી જતા. કેવળ પાંડિત્ય ઉપરાંત નરેન્દ્રમાં કાંઈક વિશેષ તેમને ભાસતું. નરેન્દ્ર ખરા અંતઃકરણથી વાદવિવાદ કરતો. તેનામાં સત્યનિષ્ઠા જણાતી. આ સત્યનિષ્ઠા જોઇને શ્રીરામકૃષ્ણ તેના ઉપર અત્યંત રાજી થતા અને કહેતા કે “નરેન્દ્રમાં દૈવી શક્તિ છે.” આ દૈવી શક્તિને શ્રીરામકૃષ્ણ જોઈ શક્યા અને તે શક્તિઓનું પરિણામ શું આવશે તે પણ જોઈ શક્યા. એક વખત તો કહેવા લાગ્યાઃ “જુવો, જુવો, નરેન્દ્રની અધ્યાત્મ દૃષ્ટિ કેવી જબરજસ્ત છે? કિનારા વગરના તેજના મહાસાગર જેવી તે અપાર છે !”

જેઓ શ્રીરામકૃષ્ણની પાસે બેસવાને ભાગ્યશાળી થયા હતા તેઓજ માત્ર જાણે છે કે શ્રી રામકૃષ્ણ અને તેમના શિષ્યોને પરસ્પર સંબંધ કેવો હતો ! તે સંબંધ ઘણોજ મધુર, પ્રેમાળ, સ્વાભાવિક અને કોઈ પણ જાતની કૃત્રિમતા રહિત હતો. કેટલાક ગુરૂઓમાં દેખાઇ આવતા ઠાઠ કે મોટાઈ શ્રી રામકૃષ્ણમાં બિલકુલ નહોતાં. કોઈ પણ માણસ તેમની પાસે જઈ શકતું. કોઈ પણ તેમની સાથે વાત કરી શકતું. સર્વને દરેક પ્રકારની છુટ હતી. તેમનો બોધ ગંભીર અને સચોટ હતો. તેમની આસપાસના વાતાવરણમાં સર્વત્ર જાણે કે પ્રભુનો વાસ હોય એમ સઘળાને લાગતું હતું. ક્વચિત્ દક્ષિણેશ્વરનાં ઝાડોની ઘટામાં ગુરુ અને શિષ્યો વિહરતા, બેસતા, આરામ લેતા, સૃષ્ટિસૌંદર્ય નિહાળતા અને જ્ઞાન વાર્તા કરતા. વળી થોડોક સમય નિર્દોષ ગમ્મત અને ઠઠ્ઠામાં પણ ગાળતા. આવી ગમ્મતની અંદર પણ શ્રીરામકૃષ્ણ વખતો વખત ઉત્તમ બોધ આપતા અને સામાન્ય વાતોના આનંદને ફેરવીને જ્ઞાનાનંદમાં લઈ જતા. ગંગા નદીને કિનારે પવિત્ર