પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તે બોલતા હોય એમ સૌને લાગતું. સહૃદયતા એમનું મુખ્ય ક્ષણ હતું.

ઈશ્વર સાકાર છે કે નિરાકાર ? ઉત્તરમાં શ્રીરામકૃષ્ણ કહેતા : “તે સાકાર અને નિરાકાર બંને છે ! વળી બંનેથી પર પણ છે ! તે એક પણ છે અને અનેક પણ છે ! ઈશ્વરનું આ અટપટું સ્વરૂપ બુદ્ધિથી સમજાશે નહિ; પણ આત્માના ઊંડા પ્રદેશમાં સ્વાનુભવથી તે જણાશે.” મૂર્તિપૂજા ખરી છે કે નહિં ? શ્રીરામકૃષ્ણ કહેતા : “આવા પ્રશ્નોજ મિથ્યા છે. જે કરવાથી ઈશ્વર તરફ મન વળે તે સઘળું જ સારું છે. ખરેખરો ભાવ હોવો એજ આવશ્યક બાબત છે.”

શ્રીરામકૃષ્ણનું જીવન વેદાન્ત ધર્મનું પ્રત્યક્ષ પ્રમાણ હતું. જે આત્માનુભવ હજારો વર્ષોથી હિંદુઓનાં ઉપનિષદોમાં અમૂલ્ય ખજાના તરીકે જળવાઈ રહ્યો છે તે આત્માનુભવનો તે જીવંત આવિર્ભાવ હતો. દરેકે દરેક સિદ્ધાંત એમના જીવનમાં ભજવાતો અને તેનું રહસ્ય પ્રત્યક્ષ થતું. શ્રીરામકૃષ્ણનું જીવન અદ્વૈતવાદના સિદ્ધાંતોનું દર્શન ક્ષણે ક્ષણે કરાવી રહ્યું હતું.

નરેન્દ્રનું હૃદય પવિત્ર, કોમળ, દયાર્દ અને લાગણીવાળું હતું, જે વાત તેની બુદ્ધિ માનતી નહિ તે વાત તેનું હૃદય માની લેતું, આ સહૃદયતાથીજ નરેન્દ્રનો આત્મા પરાણે પરાણે પણ હિંદુ ધર્મ તરફ વળતો હતો. નરેન્દ્ર દેવદેવીઓને માનતો નહોતો, પણ શ્રીરામકૃષ્ણ શ્રી મહાકાળીના સાચા ઉપાસક હતા અને તેમના ઉપરથી બ્રહ્મોસમાજમાં ૫ણ પ્રભુને માતૃભાવે ભજાતો નરેન્દ્ર પ્રત્યક્ષ જોતો, એટલે તેનું હૃદય ખેંચાતું ! તે મુખેથી “કાળી, કાળી” એમ બોલતો. પણ ઘડીમાં તેનું મન ફરી જતું અને તે કહેતો “કાળી શું ? એ વળી કોણ ? બધું ખોટું !” વળી પાછું શ્રીરામકૃષ્ણના ભાવ જોઈને તેનું મન વિકળ બની જતું અને તે બોલતો “જય મા કાળી ! જય મા કાળી !”