પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૨


એકાંત, મૌન, અપરિચય, અપ્રસિધ્ધિ વગેરે સ્થિતિઓને તેમજ બાલ, જડ, ઉન્મત્ત, પિશાચ વગેરેના જેવી વિલક્ષણ વૃત્તિઓને સેવવાનું વધારે સારું ગણે છે. નિવૃત્તિ પ્રધાન પ્રારબ્ધવાળા મુક્તામાઓ એવા સાધન સંયોગને અને એવી સ્થિતિ અને વૃત્તિને વધારે સેવી શકતા હોવાથી જીવન મુક્તિના વિલક્ષણ સુખને પણ તેઓ વધારેજ માણી શકે છે. પ્રવૃત્તિના પ્રારબ્ધી મુક્તાત્માઓની પણ સમજણ અને રૂચી તો એવીજ હોય છે; પરંતુ પ્રારબ્ધની વિપરીતતા અનેક પ્રકારે બાધક થઈને તેમને એવાં સાધન-સેવનાદિ યથેચ્છ કરવા દેતી નથી, અને તેથી જીવન મુક્તિના વિલક્ષણ આનંદને પણ તેઓ ઓછો અથવા સામાન્યજ ઉપભોગ લઈ શકે છે.

કહેવાની મતલબ એજ કે સર્વે મુક્તાત્માઓની વિદેહમુક્તિ તો સમાનજ હોઈને આત્મસાક્ષાત્કારના સમયથીજ તે નિર્માઈ ચૂકી હોય છે. ફેર માત્ર તેમની જીવનમુક્તિમાંજ રહે છે. ઉપર જણાવ્યું તેમ તેમની પ્રવૃત્તિ પરાયણતા, નિવૃત્તિ પરાયણતા અને જીવનમુક્તિના વિલક્ષણ આનંદની ન્યુનાધિકતાનો સઘળો આધાર તે તે વ્યક્તિઓના પોતપોતાના પ્રારબ્ધપરજ રહેલો હોય છે; અને દૃઢ પ્રારબ્ધ તો અનિવાર્ય જ હોય છે; એટલે જીવનમુક્ત પુરૂષો પોતાનું શેષ આયુષ્ય તથા પ્રારબ્ધ પ્રવૃત્તિ પ્રધાન કે નિવૃત્તિ પ્રધાન ગળાતું હોય તેને માટે એમજ રાખે છે કે, “યું ભી વાહવાહ ઔર વું ભી વાહ વાહ.” જીજ્ઞાસુ દશાની આત્મા અનાત્માના વિવેકવાળી ભેદ બુદ્ધિ અને તેના પરિણામ રૂપે ઉદ્ભવેલી તીવ્ર આગ્રહવાળી ત્યાગગ્રહણની વૃત્તિ તથા કર્તવ્ય પ્રાપ્તવ્ય બુદ્ધિ; એ સર્વ પણ મુક્તાત્મામાં શાંત થઈ જઇને તેનું સ્થાન સમભાવે તથા કૃતકૃત્યતાજન્ય અનાગ્રહ વૃત્તિએ લીધેલું હોય છે. આથીજ ઘણાખરા મુક્તાત્માઓ જીજ્ઞાસુઓના જેવા આગ્રહી, ઉપરામ, કે સાધન પરાયણ હોતા નથી; અને કેટલાક તો લૌકિક બાહ્યાચાર વગેરેથી પણ બે પરવાહ બની રહે છે.