પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


વર્ણવેલી જ્ઞાનીની દશા શ્રીરામકૃષ્ણમાં તે પ્રત્યક્ષ જોતો અને તેથી ગીતાનાં સત્ય સાચાં છે, શક્ય છે, તે માત્ર કલ્પનાનોજ વિષય નથી, એમ તે માનવા લાગ્યો. “મેં ઇશ્વરને જોયા છે” એમ છાતી ઠોકીને કહેનાર, ઘણુંખરૂં સમાધીમાંજ રહેનાર, અનેક કસોટીમાંથી પાર ઉતરનાર, જ્ઞાનીની દશાનો જીવતો દાખલો પ્રત્યક્ષ આપનાર, દંભ વગરનો, સાદો પણ અગાધ બુદ્ધિવાળો પુરૂષ નરેન્દ્રે આ પ્રથમજ જોયો હતો. પોતાના જીવનમાં અદ્વૈતભાવનું પ્રત્યક્ષ દર્શન કરાવનાર મહાત્મા આ તેને પહેલોજ મળ્યો હતો. શ્રીરામકૃષ્ણને સમાધિ આવતી તે એવી તો સ્વાભાવિક લાગતી કે તેમાં કોઈથી શંકા કરી શકાતી નહિ. શ્રીરામકૃષ્ણ ઘડીકમાં સાચા ભાવથી ગોપીઓનો પ્રેમ પ્રત્યક્ષ કરાવે, શ્રીકૃષ્ણની અગાધ લીલા સમજાવે, તેનો આબેહુબ ચિતાર શ્રોતાઓના મનમાં ખડો કરે; તો બીજી ઘડીયે શિવભક્તિનું રહસ્ય સમજાવી શિવના ચારિત્ર અને સ્વરૂપનો ખ્યાલ ઉત્પન કરે. વળી ઘડીકમાં તેઓ શ્રી મહાકાળીના દૈવી રહસ્યનું ભાન કરાવે. આમ તેઓ સર્વ દેવ દેવીઓનો ભાવ ભજવી તેમનાં અસ્તિત્વ અને સત્યતાની ખાત્રી કરી આપે. બુદ્ધ, મહંમદ અને ક્રાઈસ્ટને પણ તે ભૂલતા નહોતા અને તેમનો પણ ભાવ ભજવી તેમની ભક્તિ અને સિદ્ધિના સાચાપણાનો ખ્યાલ સૌને આપે. આ સધળું નિહાળી અને શ્રીરામકૃષ્ણનો સાચો ભાવ જોઈ નરેન્દ્રના મન ઉપર ઘણીજ ઉંડી અસર થઈ.

આ પ્રમાણે આ અલૌકિક મહાત્મા કે જે પોતાનું નામ પણ લખી શકતા નહોતા તેમના પ્રભાવ માત્રથીજ કેળવાયલા નાસ્તિક નરેન્દ્રના અંતઃકરણમાં ઘણોજ ફેરફાર થઈ ગયો. તેના તર્કવિતર્કનો નાશ થયો; હૃદય સ્વચ્છ આકાશ જેવું નિર્મળ બની રહ્યું; તેમાં દૈવી પ્રકાશ પડી રહ્યો; તેનું સઘળું વર્તન બદલાયું અને આગળ જે યુવક