પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

શ્રીરામકૃષ્ણના આચરણની એક્તા સધાતી અને તે એકતાના સાક્ષાત દર્શનથી ચકિત થતો થતો નરેન્દ્ર સર્વ શાસ્ત્રોનું, સર્વ ઉપનિષદોનું, સર્વ વેદાન્તનું રહસ્ય ગ્રહણ કરતો. આધ્યાત્મિક વાતાવરણની પવિત્રતા આવી રીતે તેનામાં આવી રહી. હવે તે સંસારની તુચ્છ વાસનાઓથી સદાને માટે મુક્ત થઈને નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, અવિનાશી આત્માનું જ રટણ ધ્યાન કરવા લાગ્યો! शिवोहम् शिवोहम् । ब्रह्मसत्यम्, जगन्मिथ्या । अयं आत्मा ब्रह्म । તેના મનમાં-હૃદયમાંઆત્મામાં જાગૃતમાં, સ્વપ્નમાં, નિંદ્રામાં સર્વત્ર એજ નાદ ચાલી રહ્યો.

પરણવાનો તિરસ્કાર તો તેને નાનપણથીજ હતો તે હવે પૂરેપૂરો દ્રઢ થઈ તેને લાગ્યું કે તેનો જન્મ સંન્યાસી થવાને માટેજ છે અને તેનું ધારવું અનેક જન્માક્ષર જોનારા જોશીઓના તેમજ હસ્તરેખાદિ બાહ્ય ચિન્હો જોઈ ભવિષ્ય ભાખનારા ભવિષ્યવેત્તાઓના કથનને મળતુંજ હતું.

પ્રકરણ ૧૮ મું-નરેન્દ્રની યોગ્યતા.

આગલાં પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે શ્રીરામકૃષ્ણ જેવા મહાત્માનાં પવિત્ર ચરણ સેવીને નરેન્દ્રે વેદાન્તનો અભ્યાસ કર્યો હતો તથા તેનાં તત્ત્વો ગ્રહણ કર્યા હતાં. સૌ વાદમાં અદ્વૈતવાદ હવે નરેન્દ્રને ઘણોજ પ્રિય થઈ પડ્યો હતો. તે વાદની પ્રૌઢતા, તેમાંથી મળતું મનોબળ, તેના અભ્યાસથી ઉત્પન્ન થતી અભયતા, शोकं तरति आत्मवित्, मोहं तरति आत्मवित् । नायं आत्मा बलहीनेन लभ्यो । अभयं वजनक प्राप्तोसि || વગેરે ઉપનિષદ વાક્યો નરેન્દ્રના હૃદયમાં ઉંડાં ઉતરી જઇને તેને સંપૂર્ણ અદ્વૈતવાદી બનાવી દીધો.