પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯
નરેન્દ્રની યોગ્યતા.


તપાસીએ તો આપણને માલમ પડશે કે શ્રીરામકૃષ્ણના સઘળાં ગુણોની તે હાલતી ચાલતી મૂર્તિ જ બની રહ્યા હતા. ન્હાનો નરેન્દ્ર મોટી વયે અન્ય સ્વરૂપમાં દેખાતો શ્રીરામકૃષ્ણજ હતો. આમ ગુરૂ અને શિષ્યનો અભેદ સધાયો હતો. શ્રીરામકૃષ્ણની સંનિધિમાં મનુષ્ય સ્વભાવના અનેક રંગોનું અવલોકન કરવાનો નરેન્દ્રને પ્રસંગ મળ્યો હતો અને મનુષ્ય સ્વભાવનું આ બારિક નિરીક્ષણ તેને આગળ ઉપર ઘણુંજ કામ લાગ્યું હતું.

શ્રીરામકૃષ્ણે એક વખત આપેલો બોધ અને પોતે આપેલો જવાબ નરેન્દ્ર વારંવાર યાદ કરી તેમના હૃદયની વિશાળતા તે મનમાં ધારણ કરતો. શ્રીરામકૃષ્ણે એક વાર કહ્યું હતું કે “ધાર્મિક મનુષ્યોની વિરૂદ્ધ સંસારી મનુષ્યો અનેક રીતે બોલે છે, પણ ધાર્મિક મનુષ્યોએ રસ્તામાં ચાલતા હાથીની માફક વર્તવું જોઈએ. હાથી પાછળ કુતરાં ઘણાંએ ભસે છે, પણ હાથી તેની દરકાર ન કરતાં પોતાને રસ્તે ચાલ્યોજ જાય છે.” લોકો તારૂં ભુંડું બોલે તો તું શું કરે ?” નરેન્દ્રે સરલ ભાવે જવાબ આપ્યો “હું તેમને ભસતા કુતરાઓ ધારૂં." શ્રીરામકૃષ્ણ પુષ્કળ હસ્યા અને બોલ્યા “ના, ના, તારે એટલો બધો નીચો અભિપ્રાય બાંધવાનો નથી; તારે તેમની દરકાર કરવી નહી પણ દરેક મનુષ્યમાં નારાયણનું સ્વરૂપ જોવું. પરમાત્મા દરેક વસ્તુમાં વસે છે અને તેમાં રહી અનેક રીતે ક્રીડા કરે છે. એક સાધુ–નારાયણ હોય અને બીજો ખલ–નારાયણ હોય !”

સ્વામી વિવેકાનંદ તરીકે નરેન્દ્રે આ વિશાળ બોધને બરાબર અમલમાં મુક્યો હતો. કારણકે જ્યારે બીજા પંથના અનુયાયીઓ અને ક્રિશ્ચિયન પાદરીઓ તેમની અદેખાઈથી અત્યંત નિંદા કરતા હતા અને તેમની વિરૂદ્ધ અનેક પગલાં ભરતા હતા ત્યારે પણ શ્રીરામકૃષ્ણ પરમહંસનો સાચો શિષ્ય નરેન્દ્ર–વિવેકાનંદ તે સઘળું શાંતપણે