પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સહન કરી રહેતો અને તેમના પ્રયાસોને માત્ર હસીજ કહાડતો. તે સર્વ નારાયણનાં જુદાં જુદાં સ્વરૂપ છે એમ તે મનમાં લાવતો અને ઉલટો તેમને આશિર્વાદ દેતો. આમ શ્રીરામકૃષ્ણના બોધને તે અનુસરતો અને પોતાના વિશાળ હૃદયથી વેદાન્ત ધર્મની મહતા, સત્યતા અને વ્યવહારીકતા સૌના મનમાં ખડી કરતો.

એક વખતે શ્રીરામકૃષ્ણ સાથે નરેન્દ્ર જુદા જુદા ધર્મો વિષે વાદવિવાદ કરતો હતો. કેટલાક પંથોની ખામીઓ બતાવીને તે તિરસ્કાર કરવા લાગ્યો. શ્રી રામકૃષ્ણ તેના તરફ પ્રેમથી જોવા લાગ્યા અને બોલ્યા “મારા દિકરા, દરેક ઘરને પછવાડે પણ એક બારણું હોય છે. જો કોઈની મરજી હોય તો તે પાછલે બારણેથી પણ ઘરની અંદર કેમ ન પેસે ! પણ હું તારી પેઠે સ્વીકારૂં છું કે આગલે બારણેથી પેસવું એ શ્રેષ્ઠ છે,” આ પ્રમાણે બોધ કરવાની યુક્તિથી નરેન્દ્ર આશ્ચર્ય પામ્યો. અમુક ધર્મ સારો અને અમુક ખોટોજ એવા સાંકડા વિચાર તેના મનમાંથી ખસવા લાગ્યા. ક્રિશ્ચિયનો માને છે કે દરેક મનુષ્ય પાપી છે. શ્રી રામકૃષ્ણ આ સિદ્ધાંતને ઘણોજ વખોડતા અને તે સ્થાને “સર્વ મનુષ્ય પરબ્રહ્મ સ્વરૂપ છે” એવો વેદાન્તનો મહાન સિદ્ધાંત નરેન્દ્રના મનમાં દૃઢપણે ઠસાવતા.

શ્રી રામકૃષ્ણ સર્વ ધર્મ તરફ સમાનદૃષ્ટિ શિખવતા, પરમાત્મા તરફ ચિત્તને સર્વદા લગાડેલું રાખવું એજ જીવનનું કર્તવ્ય છે એમ તે કહેતા, સંસારના પદાર્થોની વાતથી તે કંટાળો ખાતા. કેટલાક સાંસારિક મનુષ્યો તેમની પાસે સંસારની વાત કરતા જોઈને તે બોલી ઉઠતા “ઓ, માતા, આવા મનુષ્યોને તેં મારી પાસે શા માટે આણ્યાં છે ?”

શ્રી રામકૃષ્ણના આધ્યાત્મિક જીવન અને ઉપદેશોથી નરેન્દ્રના જીવનમાં અદ્ભુ‌ત ફેરફાર થયા હતા. જ્યાં લીલું ઘાસ ઉગેલું હોય