પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


મૂર્તિમંત થયેલા નરેન્દ્રે નિહાળ્યા, તે જીવનના બોધક બનાવો તેના હૃદયમાં કોતરાઈ રહ્યા, અને શ્રી રામકૃષ્ણની વિશાળ ભાવનાઓએ નરેન્દ્રના હૃદયને એટલું વિશાળ બનાવી દીધું કે જ્યારે તે સ્વામિ વિવેકાનંદ તરીકે બહાર પડ્યો ત્યારે તેણે શ્રી રામકૃષ્ણ મિશન એ નામની સંસ્થા સ્થાપી અને તેણે અને તેના શિષ્યોએ ભારતવર્ષનાં અનેક નિર્ધન, દુઃખી, નિરાધાર, વૃદ્ધ, રોગીષ્ટ, ક્ષધાથી કે પ્લેગથી પિડાતાં કે કોઈ પણ પ્રકારની આધિ, વ્યાધિ કે ઉપાધિમાં કચડાતાં લાખો સ્ત્રી પુરૂષોને અનેક રીતે સહાય પહોંચાડી. પોતાના પ્રાણની પણ દરકાર કર્યા વગર સ્વામી વિવેકાનંદે પ્લેગના દરદીઓની સારવાર કરી છે અને તેમને આશ્વાસન આપ્યું છે. નિર્ધન અને નિરાધારને માટે અનાથાશ્રમો ખોલ્યાં છે. રોગીઓને માટે દવાખાનાં ઉઘાડ્યાં છે. તેમણે અનેક પારમાર્થિક કામો કરી જગતને દર્શાવી આપ્યું છે કે શ્રી રામકૃષ્ણની માફક વિવેકાનંદ પણ आत्मवत सर्व भूतेषु । એ મહાન સિદ્ધાંતને પોતાના દરેક કાર્યમાં ક્ષણે ક્ષણે અનુસરે છે.

નરેન્દ્ર હવે શ્રી રામકૃષ્ણના અગાધ પ્રેમનું પાત્ર બની રહ્યો હતા. તે હવે ઉચ્ચ અધિકારી બન્યો હતો. શરીર અને આત્મા જુદાં છે એવું ભાન વારંવાર તેને થતું. તે ધ્યાન ધરતો અને ધ્યાનની અમુક અમુક દશાઓની સાબિતિઓ પણ તેને મળતી. ધ્યાનાવસ્થા તો તેની સ્વાભાવિક પ્રકૃતિજ બની રહી હતી. ચિત્તની એકાગ્રતા સધાઇ હતી આથી કરીને તે કોઈ પણ વિષયમાં ઘણો જ ઉંડો ઉતરી શકતો અને તેની ઉપર નવુંજ અજવાળું પાડતો.

પોતે પ્રાપ્ત કરેલી શક્તિઓ ખરી છે કે ખોટી તે હવે નરેન્દ્ર અજમાવી જોવા લાગ્યો. એક દિવસ તે પોતાના એક ગુરૂભાઈ (અભેદાનંદ) ઉપર પોતાની શક્તિ અજમાવવા લાગ્યો. દિવસ મહાશિવરાત્રીનો હતો. શિવપૂજન ચાલી રહ્યું હતું. ઘણા વખતથી ધ્યાન