પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
કાશીપુરમાં ગળાયલા દિવસો.


નથી એ વિચારથી નરેન્દ્ર પોતાનું મગજ પટકી નાંખવા લાગ્યો. તેમનું દુઃખ મટાડનાર કોઈ દેવતા પણ છે કે નહિ એ શોધવાને “શ્રીરામ શ્રીરામ” એમ મુખેથી પોકારતો તે આખા ઘરમાં ફરવા લાગ્યો. દેહનો અંત હવે પાસે આવ્યો છે એમ જાણી શ્રી રામકૃષ્ણે નરેન્દ્રને પાસે બોલાવ્યો અને કહ્યું “આમ કરવાથી શું ફાયદો છે ? તારા જેવાજ પોકાર કરીને મેં બાર વરસ ગાળ્યાં હતાં. તે બાર વરસ એક પવનના સપાટાની માફક ચાલ્યાં ગયાં છે. તે પછી તારી એક રાત્રીના પ્રયત્નથી શું થવાનું છે ?” આ સાંભળીને એક જણ બોલી. ઉઠ્યો “તમે મોટા યોગી છો. તમે ધારો તો તમારી મેળેજ સાજા થઈ જાવ !” શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો “આ અપવિત્ર દેહ કે જે હાડકાનું એક પાંજરું છે તેમાં વધારે વખત જકડાઈ રહેવા તરફ મારા ચિત્તને હું શા માટે લગાડું ?”

યુવાન નરેન્દ્રે હવે સંસારનો ખરેખર ત્યાગ કર્યો હતો. દુનિયાદારીની વાસનાને તેણે દૂર કરી દીધી હતી. ભગવાં વસ્ત્ર તેણે ધારણ કર્યા હતાં. તેની અમાનુષી શક્તિઓ ઉપરથી તેના ગુરૂએ તેનું નામ વિવેકાનંદ પાડ્યું.

કાશીપુરનો બાગ હવે એક મંદિર તેમજ એક મોટી પાઠશાળા બની રહ્યો હતો. વાતચિતમાં તત્વજ્ઞાનનાં અણુ એ અણુ જુદાં પડતાં ભક્તિ પરાકાષ્ટાએ પહોંચતી. સંગીત અને ભજનમાં કેટલોક સમય ગળાતો અને નરેન્દ્ર પોતાના ગુરૂને કહેતો “દેવ, મારી બુદ્ધિ અને ચિત્તની સઘળી વક્રતા નાશ પામે એવું ઔષધ મને આપો.” શ્રીરામકૃષ્ણ તેને ધ્યાન ધરવાનું કહેતા અને ધ્યાનમાં તે મસ્ત બની જતો. ક્વચિત શ્રી રામકૃષ્ણ તેને ભજન ગાવાનું કહેતા અને તે ભજનની ધુનમાં–પ્રભુની ભક્તિના રસમાં ડુબી રહેતો. નરેન્દ્ર હવે ઘણો વખત ધ્યાનમાંજ ગાળવા માંડ્યો.