પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૫


થોડાક ટકા દાન પુણ્ય પણ કરતા હોય છે. આવાઓને અખો તો એજ ડખો પીરસે છે કે “એરણની ચોરી ને સોયનું દાન, તેણે કેમ આવે વિમાન.” પણ તેનો વિચાર કરવાનું તેવા દાનેશરીઓ ઉપરજ રાખીને અહીં તો કહેવાનું એજ કે તેઓ પોતાનાં પાપ રૂપી મળ ધોવરાવવા સારૂજ સેંકડે બે પાંચ ખર્ચતા હોય છે; છતાં કોઈ ગરિબને કે કોઈ સંસ્થાને કાંઈક આપતી વખતે તેઓ પણ જાણે મ્હોટી મહેરબાની અને સેવાજ કરી રહ્યા હોય તેમ દેખાડે છે.

ટુંકામાં એજ કે અનાત્મપ્રેમીની ખુબી અને ખુશી વગેરે સર્વ પોતાના સ્વાર્થોને પણ પરોપકાર મનાવવામાં, લેવા છતાં આપનાર મનાવવામાં, કૃતિ થોડી અને બડાશ વધુ મારવામાં, અને ચારિત્રની સ્વલ્પતાપર જૂઠ, આડંબર અને વાચાળતાની ક૫ડ માટીના થરપર થર ચઢાવ્યે જઈને તેને હૃષ્ટપુષ્ટ દર્શાવવામાં જ રહેલાં હોય છે; ત્યારે બીજી તરફ મોટા મોટા પહેલવાન, ધનવાન અને સત્તાવાનો તથા કર્તવ્યની અને ફરજની વાતો કર્યા કરનારાઓ કરતાં વધુ ઉપકારક થવા છતાં પણ કર્તાપણાની બુદ્ધિ વિનાના આત્માનુભવીની ખુબી અને ખુશી તો;−

प्रकृतेः क्रियमाणानि गुणैः कर्माणि सर्वशः।
अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते ॥[૧]

એ સત્યને અનુસરીને પોતાને અકર્તા સમજવામાં અને પ્રકૃતિ, સ્વભાવ, પ્રારબ્ધ કે પ્રભુનેજ કર્તા ધર્તા મનાવવામાં રહેલી હોય છે.


  1. * અર્થાત્ આ જગતમાં પ્રકૃતિના ગુણો વડેજ સર્વ કર્મો કરાય છે; છતાં શરીરાદિ અનાત્મ પદાર્થોમાં આત્મબુદ્ધિ હોવા રૂપ મિથ્યાભિમાનમાં મૂઢ થયેલા મનુષ્યો “હું કરું છું” એમજ વૃથા માની લે છે.