પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
શ્રી બુદ્ધગયાની યાત્રા.


લાગ્યો. સત્યાન્વેષણ માટે કરેલા રાજ્ય ત્યાગને સંભારવા લાગ્યો અને ચક્રવર્તી અશોકના સુંદર મઠ અને વિદ્યાપીઠોનો સંપૂર્ણ ખ્યાલ મગજમાં આણવા લાગ્યો.

તે વારંવાર કહેવા લાગ્યો કે બુદ્ધનોજ સંન્યાસ ખરો હતો ! અઢળક દ્રવ્ય, રાજદ્વારી દમામ, સત્તા, યુવતી સ્ત્રીનો પ્રેમ-આ સર્વનો ત્યાગ બુદ્ધે કર્યો, માટે એનો સંન્યાસ એજ ખરો સંન્યાસ, માનવ જાતિ પ્રત્યે અનુકમ્પા, સત્યાન્વેષણ માટે અડગ નિશ્ચય, દુઃખ, ભય કે મૃત્યુથી પણ નિડરતા–આ સર્વ વડેજ તે સાધુ બની રહ્યો હતો. રત્નજડિત આરસ પહાણથી બંધાવેલા મહેલમાં વસનારો, રાજ્ય વૈભવને ભોગવનારો, રાજપોષાક ધારણ કરનારો, હસ્તીદંતના પલંગમાં પોઢનારો અને મહાન દ્રવ્યના ભંડારો હાથ ધરનારો રાજાનો કુંવર એક સંન્યાસીની માફક જગતમાં વિચરતો–ભગવાન બુદ્ધ-નરેન્દ્રની કલ્પ્ના સૃષ્ટિમાં પ્રત્યક્ષ દેખાવા લાગ્યો.

વાર્તા આગળ ચાલી. નરેન્દ્રનું હૃદય બુદ્ધના ચરિત્રથી વધારેને વધારે આનંદિત થવા લાગ્યું, વધારેને વધારે ઉછાળા મારી રહ્યું. ભગવાન બુદ્ધનું કઠોર તપાચરણ તેના મસ્તકને ચકડોળે ચઢાવવા લાગ્યું. તે ચકિત થયો. નરેન્દ્ર અને તેના ગુરૂભાઈઓ પર ભગવાન બુદ્ધના દ્રઢ નિશ્ચયની બહુજ ઉંડી અસર થઈ.

“આ સ્થાનેજ મારું શરીર સુકાઈ જવા દ્યો ! શરીરનાં માંસ અને અસ્થિ જુદાં પડી જવા દ્યો ! પરમ સત્ય-જે મેળવવું ઘણુંજ કઠિન છે તે–મેળવ્યા વગર હું અહીંયાથી ઉઠનાર નથી !” ભગવાન બુદ્ધના આ શબ્દોના ભણકાર સર્વ શિષ્યના મનને વારંવાર હલાવી નાખવા લાગ્યા.

સર્વ શિષ્યોના મગજમાં બુદ્ધગયાનું પવિત્ર અને સુંદર સ્થાન તરી આવ્યું. અહીં બેસીને–અસંખ્ય વિચારો અને ઇંદ્રિયોના