પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તુમુલ યુદ્ધની વચમાં, રાજ્ય વૈભવ, ઠાઠ અને સત્તાની લાલસા તરફ પુનઃ પુનઃ ઘસડાઈ જતા ચિત્તના તર્ક વિતર્કની મધ્યમાં, પોતાનો નિશ્ચય ફેરવવાને મથનાર અનેક સંશયોની વિરૂદ્ધમાં ભગવાન બુદ્ધે મન ઉપર જય મેળવ્યો, સત્યનું સંશોધન કર્યું. અને જુઓ-તે નર વીર–મહાન યોદ્ધો-ઇંદ્રિયજેતા, અખિલ વિશ્વનું કલ્યાણ કરવાને જગત ત્રાતા બની બહાર પડ્યો. બુદ્ધગયાની યાત્રા કરવી, જે પવિત્ર સ્થાને બેસીને બુદ્ધે પરમ સત્યને જોયું ત્યાં બેસવું, આમ વિચાર કરતે કરતે સર્વ શિષ્યો આવેશમાં આવી ગયા અને ૐ नमो भगवते बुध्धाय એમ બોલી ઉઠ્યા ! પોતાના ગુરૂ શ્રી રામકૃષ્ણને ચરણે સર્વ નમવા લાગ્યા. આ વખતે શ્રી રામકૃષ્ણ પણ બુદ્ધના સ્મરણથી બુદ્ધરૂપજ બની બુદ્ધ જેવીજ સમાધિ ધરી રહ્યા હતા।

નરેન્દ્રના આત્માને આટલાથીજ શાંતિ વળી નહિ. તેણે નિશ્ચય કર્યો કે બુદ્ધગયાની યાત્રા કરવીજ. બોધીવૃક્ષનાં દર્શન કરી તેની નીચે તેણે બેસવુંજ ! તેનો સામાન્ય સ્વભાવજ એવો હતો કે જે વાત તેણે એક વખત હાથમાં લીધી તેને તે પાર ઉતારવાનોજ ! તેણે જવાનો નિશ્ચય તો કર્યો, પણ શી રીતે જવાય ? ભગવાન શ્રી રામકૃષ્ણ માંદા હતા અને ગુરૂ ભાઈઓનો નરેન્દ્ર નેતા હતો. તેની સલાહ પ્રમાણેજ બધુંએ થતું હોવાથી બધાને આવી સ્થિતિમાં મુકીને શી રીતે જવાય ? પણ જવું તો ખરુંજ ! બુદ્ધગયાની યાત્રા કરવી એ તેને મન એક મોટું ધાર્મિક શિક્ષણ હતું.

નરેન્દ્ર કોઈને કહ્યા કહાવ્યા વિના જ નીકળી પડ્યો ! ક્યાં ગયો તે કોઈએ જાણ્યું નહિ. શિષ્યો પૂછપરછ કરવા લાગ્યા; પણ ભગવાન શ્રી રામકૃષ્ણ આ બાબતમાં ચુપ જ રહ્યા અને શાંતપણે હસવા લાગ્યા. થોડીવારે બોલ્યા: “નરેન્દ્ર ગયો તેમાં શું થઈ ગયું ! જઈને પાછો આવશે. તેને અમુક વસ્તુનો જે સ્વાદ અહીં લાગ્યો છે તે