પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

આવેશમાં આવી જઈ પાસે બેઠેલા ગુરૂભાઇને બુદ્ધનું અંગ ધારી ભેટી પડ્યો હશે ?

બુદ્ધગયામાં નરેન્દ્ર ત્રણ દિવસ રહ્યો. બુદ્ધદેવનાં ચરણકમળથી પવિત્ર થયેલાં સર્વ સ્થળ તે જોઈ વળ્યો. તેના ગુરૂભાઈઓ હવે શ્રી રામકૃષ્ણની પાસે જવાને આતુર થઈ રહ્યા. નરેન્દ્ર પણ મનથી શ્રી રામકૃષ્ણને સંભારતો અને અત્યંત ભાવથી નમતો, પણ હજી તેની મરજી વધારે પ્રવાસ કરવાની હતી. તેથી બંને ગુરૂભાઈઓ કલકત્તે પાછા ગયા અને નરેન્દ્રને પાછો બોલાવવા શ્રી રામકૃષ્ણને કહેવા લાગ્યા. શ્રી રામકૃષ્ણ બોલી ઉઠ્યા “આથી વધારે આગળ તે જશે નહિ.” ભગવાન રામકૃષ્ણના અનુપમ સહવાસથી વધારે વખત વિખુટા રહેવું એ ગાયથી વાછડું અલગ રહી શકે તોજ બની શકે. નરેન્દ્ર કલકત્તે પાછો આવ્યો, શ્રી રામકૃષ્ણના હર્ષનો પાર રહ્યો નહિ. તેણે જે જે જોયું અને અનુભવ્યું તે સર્વનું વર્ણન કર્યું. ગુરૂભાઈઓ તેને ભેટી પડ્યા. સૌ ગાવા લાગ્યા અને પ્રભુનું નામ લેતે લેતે નાચવા લાગ્યા.

પ્રકરણ ૨૧ મું-નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ.

નિર્વિકલ્પ સમાધિ ! પરબ્રહ્મમાં અવસ્થિતિ ! આત્માનો વાસ્તવ પ્રદેશ ! બ્રહ્માનંદમાં ગરક બની તેમાંજ લીન થવું –તન્મય બની જવું ! પ્રાણ, મન, વિદ્યા, અવિદ્યા, દેશ, કાળ અને સર્વ કાર્ય કારણોથી પર-નિસ્ત્રૈગુણ્ય-સત્-ચિત્-આનંદમય થવું ! આત્માવડેજ આત્મામાં મગ્ન થવું ! જ્ઞાનોત્સેકવડે ચિજ્જડ ગ્રંથિને ભેદી નિજસ્વરૂપે થવું ! સર્વ વૃત્તિઓથી અને વસ્તુસ્થિતિઓથી પર એવી જે અનુભવાવસ્થા, કે જેને માટે “અનુભવ” કે “અવસ્થા” કે બીજા ગમે તે શબ્દો પણ અઘટિત હોઈને જેની યથાર્થ વ્યાખ્યા કે સ્વરૂપ કહેવાને વેદદ્રષ્ટાઓ