પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
નરેન્દ્રને નિર્વિકલ્પ સમાધિ.


પણ છેવટે નેતિ નેતિ કહીને વિરમે છે તે અવસ્થા ! અનેક ધન્યવાદ છે એના સુયોગ્ય સાધક જિજ્ઞાસુને અને અનેક પ્રણામ હો એમાં અનુભવસિદ્ધ નિષ્ઠા પામેલા કૃતકૃત્ય વક્તાને કે જેની વાણી બોધ કરતે કરતે મૂક બની જઈ ચિત્ત અચિત્ત ભાવ-તન્મયતાને પ્રાપ્ત થઈ જાય છે ! ધન્ય છે એ અવસ્થાના ઉત્કટ અભિલાષી મહાભાગ નર શિરોમણી નરેન્દ્રને અને વારંવાર નમન હો એના મહા ઉપદેશક નારાય સ્વરૂપ મહર્ષિ રામકૃષ્ણદેવને ! !

આપણા મહર્ષિઓએ શાત્રીય અને બ્રહ્મનિષ્ટ ગુરૂના સહવાસની આવશ્યક્તા ભાર દઈને દર્શાવી છે તેનું કારણ એજ છે કે તેવા જીવનમુક્ત પુરૂષજ પોતાના ઉન્નત ચારિત્રથી, બ્રહ્મવાર્તાથી અને તે કરતે કરતે આપો આપ પ્રાપ્ત થઈ જતી સ્વરૂપાવસ્થિતિથી જિજ્ઞાસુની બુદ્ધિને બ્રહ્માભ્યાસ તરફ વાળી શકે છે; અનેક રીતે પ્રોત્સાહન તેમજ બળ આપી શકે છે; અને પરિણામે એ સ્વરૂપાવસ્થિતિને પ્રાપ્ત કરાવી કૃતકૃત્ય બનાવી મૂકે છે. નરેન્દ્રને એવાજ સુયોગ્ય પરમકૃપાળુ ગુરૂદેવ મળી ગયા હતા અને વધારે મહત્ત્વની વાત તો એ હતી કે તેણે છેવટ સુધી તેમની સેવા અને સમાગમ ચાલુ રાખ્યો હતો.

ભગવાન શ્રીકૃષ્ણે જાતેજ અર્જુન જેવા સદાચારી અને બલિષ્ટ પુરૂષને અનેક પ્રકારે તત્ત્વજ્ઞાન સમજાવ્યું હતું અને વિરાટ સ્વરૂપનું દર્શન કરાવીને તે જ્ઞાનમાં તેમજ ઉપદેશક તરીકેની પોતાની યોગ્યતામાં તેને શ્રદ્ધા ઉપજાવી હતી; તોપણ તેનું દૃઢ પરિણામ તો એ સમયનો તેનો વિષાદ દૂર થઇને તેને પોતાના તત્કાલિન ધર્મરૂપ યુદ્ધમાં જોડવા પુરતુંજ હતું. યુદ્ધ ધર્મથી નિવૃત્ત થયા પછીથી તે એ તત્ત્વજ્ઞાનને પાછું તાજું તથા સંસય રહિત કરીને નિદિધ્યાસનધ્યાન દ્વારા પરદશાને પ્રાપ્ત થઈને કૃતકૃત્ય બની રહે તેટલા માટે તેમણે વધારામાં તેને ઉપદેશ્યું હતું કે,-