પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સમય ઉત્થાનને પામું અને પાછો ફરીથી સમાધિમાં લીન થાઉં એમ કરો.” શ્રી રામકૃષ્ણ નરેન્દ્રના ઉચ્ચતર અધિકારને અને મહા બલિષ્ઠ પરોપકારક પ્રારબ્ધને યથાવત સમજી ચૂકેલા હોવાથી જરા આકરા થયા અને બોલ્યાઃ “ધિક છે, શરમ છે તને ! તું એક મહાપાત્ર (અધ્યાત્મ શક્તિઓનું) છે તેને આમ બોલવું શું છાજે છે? મેં તે ધાર્યું હતું કે તું એક મહા વટવૃક્ષ જેવો હોવાથી સંસારથી કંટાળેલા અસંખ્ય મનુષ્યોને તું આશ્રય આપવા ઈચ્છીશ, પણ તેને બદલે તું તો તારાજ સુખમાં–સમાધિમાં પડી રહેવા માગે છે ! દીકરા ! ભૂલે ચુકે હવે કોઈવાર આવી ઇચ્છા કરીશ નહિ. પરમાત્મ દર્શન કરીને એકવાર કૃતકૃત્ય અવશ્ય થા, પરંતુ તે પછીને માટે આવા સ્વાર્થી–એક માર્ગી આદર્શથી તું કેવી રીતે સંતુષ્ટ થવાનો છે ! મારો આદર્શ સર્વમયતા–સર્વાત્મભાવ છે. સમાધિમાં પરબ્રહ્મ પરમાત્માને-નિજસ્વરૂપને અનુભવીને હું પણ અનુપમ આનંદ મેળવું છું; પણ તે દશાપર હવે મને રાગ નથી, તેમ ઉત્થાન દશાપર દ્વેષ નથી. સર્વ દશા અને દિશાઓથી પર એવા નિજાત્મભાવનું સ્મરણ ઉત્થાન દશામાં પણ સમાધિ તુલ્ય થઈ પડતું હોઈને આ અનેક શરીરોરૂપી મારાં પોતાનાંજ જુદાં જુદાં માનવ દેવળોમાં-ભૂત માત્રમાં–પરમાત્માનેજ-મને પોતાનેજ વ્યાપી રહેલો સમજું છું–અનુભવું છું. તું પણ તે પ્રમાણેજ કર. પોતાને માટે કૃતકૃત્ય આત્મજ્ઞાની થવા સાથે પોતાનાં જ અન્ય શરીરરૂપ સર્વ ભૂત માત્રને માટે તારી પ્રકૃતિમાં જે પ્રબળ અને સ્વાભાવિક સહાનુભૂતિ રહેલી છે તેને માર્ગ આપ.”

વાંચનારે આ સ્થળે મનમાં એમ ધારવું નહિ કે વેદ, ઉપનિષદાદિ પવિત્ર ગ્રંથોએ જેનો મહિમા ગાયો છે, જેને તેઓએ અનેક રીતે વર્ણવ્યો છે, જેની પ્રાપ્તિ માટે ઉપનિષદો પોકાર કરી રહેલાં છે, જેની ઉચ્ચ દશા તેઓ અનેક રીતે દર્શાવી રહ્યાં છે, તે મોક્ષની