પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૨૩ મું – ભાવી જીવનના ઉષઃકાલ અને મઠમાં જ્ઞાનાનંદ.

શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી થોડાક દિવસ સઘળા શિષ્યો કાશીપુરમાં રહ્યા અને પછીથી તેમણે સ્થાપિત કરેલા રામકૃષ્ણ મઠ નામના સ્થાનમાં તેઓ આવી રહ્યા. હવે સઘળા શિષ્યોએ ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં. સઘળા સાથે રહેતા હતા. નરેન્દ્ર સર્વનો નેતા હતો. શ્રીરામકૃષ્ણની વિભૂતિને મઠમાં બંધાવેલા એક મંદિરમાં રાખવામાં આવી. એક સ્થાનમાં શ્રીરામકૃષ્ણની છબી પધરાવવામાં આવી અને ધુપ, પુષ્પ વગેરેથી તેની પુજા કરવામાં આવતી. સઘળા શિષ્યો સંન્યાસીનું સખ્ત જીવન ગાળવા લાગ્યા અને વિપત્તિની સામે થવા લાગ્યા. અહીં ભુખ, તરસ કે ઉંઘની દરકાર કોઈ કરતું નહીં અને રાતદિવસ દરેક જણ પ્રાર્થના, ભજન કે સાધનમાંજ નિમગ્ન રહેતું.

થોડાંક વર્ષ પછી રામકૃષ્ણ મઠનું નાનું સ્થળ બેલુરમઠ નામના પ્રસિદ્ધ સ્થળમાં બદલાઈ ગયું, બીજા શિષ્યો મઠાધિશો, ઉપદેશકો, અને સ્વયંસેવકો થઈ રહ્યા અને પોતાનું જીવન, પ્રાર્થના, સાધના અને જનસેવામાં ગાળવા લાગ્યા, શ્રી રામકૃષ્ણની પ્રેરણાથી તેઓ એટલા બધા પ્રેરિત થઈ રહ્યા હતા કે તેમની મહાસમાધિ પછી માત્ર બાર વરસમાંજ તેમનું નામ અને સંદેશ આખા હિંદમાં, રે, લગભગ સમસ્ત જગતમાં પ્રસરી રહ્યાં.

હવે નરેન્દ્ર કાશીપુરનો બાગ અને દક્ષિણેશ્વરના મંદિરની બહાર નીકળતો જણાય છે. તેણે ભગવાં વસ્ત્ર ધારણ કર્યાં છે. હાથમાં તેણે દંડ ગ્રહ્યો છે. એક પ્રવાસી સાધુ તરીકે તે અહીં તહીં પર્યટણ કરી રહ્યા છે. યુવાન હવે પુખ્ત ઉમરનો મનુષ્ય બન્યો છે.