પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૭


અસામાન્ય ગુણ-કર્મ સ્વભાવાદિને લીધે તેઓ પોત પોતાના વિષયમાં સર્વને ટપી જઇને પહેલેજ નંબરે પહોંચી જાય છે. માત્ર પોતાના દેશકાળમાંજ નહિ, પરંતુ સમગ્ર જગતમાં અને યુગોના યુગો પર્યંત પણ “એકમેવ અદ્વિતીય” આદર્શ તરિકે બની રહેનારા અને અવતારની પેઠે પૂજાનારા પણ આ અસામાન્ય કોટીમાંના જ કોઈ કોઈ અતિ અસામાન્ય મુક્તાત્માઓ હોય છે. દેશ કે દુનિયામાં દુર્દશાદાયક અસામાન્ય ફેરફાર થવામાં જગ વ્યવસ્થાપક સત્તા આવા અસામાન્ય કોટીના–પરંતુ પામર કે વિષયી કક્ષાનાજ આત્માઓને નિમિત્ત બનાવે છે. જેમકે નીરો, રાવણ, સીકંદર, કૈસર, નેપોલિયન, પૃથ્વીરાજ, વગેરે. તેજ પ્રમાણે જ્યારે ઉન્નતિદાયક ફેરફાર થનાર હોય છે ત્યારે અસામાન્ય કોટિના જીજ્ઞાસુ કે મુક્તામાઓનો ઉપયોગ તે કરી લે છે. જેમકે-રામ, કૃષ્ણ, બુદ્ધ, શંકર, ખ્રિસ્ત, મહમદ, ચૈતન્ય, રામાનુજ, કબીર, નાનક, દયાનંદ, વિવેકાનંદ, વોશીંગ્ટન, ગાંધી, લેનીન વગેરે.

ઉપર જણાવ્યા જેવા અસામાન્ય કોટિના શુદ્ધાત્માઓના અસામાન્ય જ્ઞાન ચારિત્રનાં પ્રબળ મોજાં જ્યારે માનવસમાજ ઉપર ફરી વળીને તેને જાગ્રત કરી મૂકે છે; ત્યારે સમાજમાં અજ્ઞાનરૂપી અંધકારને લીધે મિત્રપણાના વેશથી ભરાઈ બેઠેલાં અનેકવિધ અવગુણરૂપી નિશાચરો તેના ખરારૂપમાં ઓળખાઈ તિરસ્કારાઈ ભાગવા માંડે છે; તથા લોકહિતને બહાને તે નિશાચરોએ જે અનેકવિધ દુઃખ દારિદ્રનાં કે કંટાળ વૃક્ષ ઉછેરી આપ્યાં હોય છે, તે ઉખડી જઇને સર્વ સિદ્ધિપ્રદ સદ્દગુણના અંકુરોને અમૃત સિંચન મળે છે. જેને પરિણામે સુખ સામર્થ્યનાં અનેકવિધ પુષ્પોથી બ્હેકી રહેલી અને શ્રેયસ પ્રેયસનાં અનેકવિધ અનુપમ ફળ વડે લચી રહેલી સુવૃક્ષ વાટિકાઓ સર્વત્ર શોભી રહે છે. ધર્મ પ્રાણ ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસ આવાજ પુરૂષોનાં દિવ્ય વૃત્તાંતોથી ઉભરાઈ રહ્યો છે.