પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


શિષ્ય નરેન્દ્ર તે હવે ઉપદેશક સ્વામી વિવેકાનંદ થયો છે. શ્રીરામકૃષ્ણ પાસે બેસીને શિખનાર શિષ્ય અસંખ્ય મનુષ્યોનો ગુરૂ બન્યો છે. આધ્યાત્મિક શક્તિઓને માટે યાચના કરનારો હવે શક્તિઓની જીવંત મૂર્તિ બની રહે છે ! શ્રીરામકૃષ્ણનાં સઘળાં લક્ષણો નરેન્દ્ર-વિવેકાનંદમાં પ્રકટી રહે છે ! જાણે શ્રીરામકૃષ્ણનું જ વ્યક્તિત્વ એક નવીન અને બળવાન શરીરમાં પ્રગટ થઈ રહે છે !

એક સામાન્ય મનુષ્ય જેવો-ખુણામાં પડી રહેલો નરેન્દ્ર હિંદુસ્તાનના અનેક રાજકુંવરોનો ગુરૂ બને છે; પૌર્વાત્ય અને પાશ્ચાત્ય અનેક શિષ્યોથી તે પુજાતો નજરે પડે છે !

હિંદુસ્તાનમાં સર્વત્ર પર્યટણ કરતો તે હવે દેખાય છે. યુરોપ, અમેરિકાદિ દેશોમાં વિચરતો તે જણાય છે. હિંદુસ્તાનનાં ગહન અરણ્યો અને ગુફાઓમાં, ગરીબોનાં ઝુંપડાઓ અને રાજાના મહેલમાં, તેમજ યતિઓના આશ્રમમાં અને અસ્પર્સ્યની સંનિધિમાં વસતો તે માલમ પડે છે. હિંદની ગંદી અંધારી ગલીઓમાં અને ધુળવાળા રસ્તાઓ ઉપર ચાલતો તે દૃષ્ટિએ આવે છે, તેમજ યુરોપ અને અમેરિકાના સુંદર, સ્વચ્છ અને ભવ્ય મહોલ્લાઓ અને મકાનમાં પુજાતો તે નજરે આવે છે ! વખતે તે અસંખ્ય સાધુઓના નિવાસરૂપ હૃષીકેશમાં વાસ કરતો અને વખતે તે હિમાલયની ઉચ્ચ અને ઠંડી ટેકરીઓ ઉપર મુસાફરી કરતો દૃષ્ટિગોચર થાય છે !

અત્યાર સુધી જગત શ્રી રામકૃષ્ણની આધ્યાત્મિકતા અને ઉચ્ચ શક્તિઓ વિષે સાંભળી રહ્યું હતું; પણ હવે ગુરૂને સ્થાને તેમનો પટ્ટ શિષ્ય વિરાજે છે અને જગત સ્વામી વિવેકાનંદની બુદ્ધિ, અનુભવ, અને અધ્યાત્મિક શક્તિઓ જોઇને વધારે ચકિત થાય છે ! પ્રાચીન સમયના જ્ઞાની ભક્ત શ્રી રામકૃષ્ણની ભક્તિ, સાધુતા, મૃદુતા અને અત્યંત નમ્રતાને સ્થાને હવે અર્વાચીન સમયના વિવેકાનંદનો ભક્તિમય