પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૭
ભાવીજીવનનો ઉષ:કાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


જુસ્સો, જ્ઞાનબળ, લોક કલ્યાણ માટે અથાગ શ્રમ અને યોગયુક્ત હૃદયની નિડરતા તથા સામર્થ્ય નજરે પડે છે. વિવેકાનંદના જીવનમાં જ્ઞાન અને નિષ્કામ કર્મનો સુયોગ સધાય છે. આધ્યાત્મિકતાના પાયા ઉપર બંધાતી અને વિકાસને પામતી મનુષ્યની ઈચ્છાશક્તિનું મહાકાર્ય તેમાં દૃષ્ટિગોચર થાય છે. અનેક સંકટ સામે આધ્યાત્મિક બળને ધરતું અને તેમના ઉપર વિજય મેળવતું ભવ્ય ચારિત્ર્ય તેમાં નજરે આવે છે. માનવ જીવનના પ્રપંચોથી પર થઈ રહેલ. વેદાન્તનાં અગાધ સત્યોમાં રમમાણ થતું પણ જગતનાં કાર્યો કરવામાં અત્યંત શક્તિ અને ઝનુન દાખવતું છતાં પરમ શાંતિને ભોગવતું તે જીવન દૃશ્યમાન થાય છે. પાશ્ચાત્ય અને પૌર્વાત્ય આદર્શો ઉપર તે હિંદનું ભાવી રચે છે. કેટલીકવાર તે એક બાળકની માફક હસતું-રમત ગમતમાં ભાગ લેતું પણ નજરે આવે છે. ક્ષણે ક્ષણે પરમ વૈરાગ્ય તેમાં દૃશ્યમાન થાય છે.

પોતાના હૃદયમાં તો નરેન્દ્ર એક નાના બાળક જેવોજ હતો. ક્વચિત તે રમૂજ કરતો જણાતો. પણ સર્વદા આધ્યાત્મિકતાના ઉંચા શિખર ઉપર તે વિરાજતો અને એક મહાન સાધુ તથા ઉપદેશકના ગુણ તથા શક્તિઓથી સર્વને વિસ્મય પમાડતો.

વિવેકાનંદનું જીવન અનેક બાબતોથી ભરપુર હતું. અનેક તત્ત્વનું તે કેન્દ્રસ્થાન બની રહ્યું હતું. સ્વદેશભક્ત, ઉપદેશક, જડવાદનો વિધ્વંસક, ઊંડો વિચારક, હિંદના ગહન પ્રશ્નોનું નિરાકરણ કરનાર મહાપુરૂષ, ભક્ત, જ્ઞાની, યોગી, લેખક, કવિ, વક્તા, કુસ્તીબાજ વગેરેનાં લક્ષણો અને ઉચ્ચ શક્તિઓને એકજ શરીરમાં લાવી મુકીએ તોજ બની રહે-એક વિવેકાનંદ !

જગત એમ ધારે છે કે શરીરના વિનાશ સાથે મહાપુરૂષના જીવનનો ૫ણ અંત આવી જાય છે, પણ તેમ નથી. તેમનું મૃત્યુ પણ