પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અનેક મનુષ્યનાં આદર્શ જીવનનું પ્રેરક બને છે. ગુરૂની મહા સમાધિ પછી નરેન્દ્ર અને તેના ગુરૂ ભાઈઓ રાત અને દિવસ તપ, સાધના, ધ્યાન અને ભજનમાં ગાળતા હતા. વારેઘડીએ ભગવાન શ્રીરામકૃષ્ણ અને તેમના ઉપદેશો વિષેજ વાતો કરવામાં આવતી. નરેન્દ્ર સર્વને તેમના અદ્ભુત જીવનના પ્રસંગો કહી સંભળાવતો. સઘળું સ્થાન આધ્યાત્મિક બળ અને જ્ઞાનાનંદથી ગાજી રહેતું હતું. શ્રી રામકૃષ્ણ હજી પણ સર્વની વચમાં બેઠેલાજ છે એમ ધારી સર્વ કોઈ વર્તી રહ્યું હતું.

કેટલાક દિવસ આમ વહી ગયા. હવે સઘળા શિષ્યો વિચાર કરવા લાગ્યા કે તેમણે શું કરવું ? પોતાનું ગુજરાન તેઓએ શી રીતે ચલાવવું ? કેટલાક ગૃહસ્થ શ્રીરામકૃષ્ણને મદદ કરતા હતા તે તેમની મહાસમાધિ પછી તેમ કરતા બંધ પડ્યા. કેટલાક ગૃહસ્થાશ્રમી શિષ્યો કહેવા લાગ્યા કે આ છોકરાઓ હજી નાના છે અને તેમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવો ! કેટલાક બી. એ. નો અભ્યાસ કરતે કરતે શ્રીરામકૃષ્ણ પાસે આવેલા હતા તેમનાં માબાપ હવે કહેવા લાગ્યાં કે તેમણે તેમના અભ્યાસ પુરો કરીને ડીગ્રી મેળવવી !

સઘળા શિષ્યો કહેવા લાગ્યાઃ “પરમ વૈરાગ્ય અને આધ્યાત્મિક અનુભવોનું આવું જીવંત દૃષ્ટાંત અમારી નજર આગળ જોયા પછી સંસારમાં પ્રવેશ કરવાનું મન પણ અમને કેવી રીતે થાય ? શું ગુરૂદેવ એવો બોધ કરતા નહોતા કે કામિની અને કાંચનનો ત્યાગજ કરવો ? સાધુઓએ આવતી કાલનો વિચાર ન કરવો એમ શું આપણને તેમણે શિખવ્યું નથી ? ઉદરનિર્વાહને માટે આપણે કાળજી શા માટે જોઈએ ? સંયમી બની આપણે આપણી માધુકરી-ભિક્ષા ઘેર ઘેર માગીશું. ખરેખર, આપણા ગુરૂદેવજ આપણી સંભાળ લેશે.”

કેટલાક શિષ્યો હવે યાત્રાએ નીકળી પડ્યા અને કેટલાક મા-બાપના ઘણા આગ્રહને લીધે ઘેર જઈ બી. એ. ના અભ્યાસ પુરો કરવા