પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.

કરતો.”

સદાનંદ આગળ જતાં કહે છે કે “તે દિવસો લગભગ તપમાંજ ગળાતા હતા. એક મિનિટનો પણ આરામ કોઈ લેતું નહી. બહારથી પણ માણસો આવતા અને જતા. પંડિતો વાદવિવાદ કરતા. વિવેકાનંદ ક્ષણવાર પણ નવરા પડી શકતા નહી. વિવેકાનંદ આધ્યાત્મિક દૃષ્ટિ અને વિશાળ બુદ્ધિથી વાત કરતા. ઘણા દિવસ સુધી તેઓ ગુરૂભાઈઓ અને બીજા મઠમાં આવનારાઓ આગળ સામાજીક વિષયો ઉપર વ્યાખ્યાન આપતા અને સઘળા સાધુઓને હિંદુ સમાજ અને તેની પ્રાચીન સંસ્કૃતિનું ઉંડું જ્ઞાન આપતાં. હિંદુસમાજનું બંધારણ તેઓ વિશાળ દૃષ્ટિથી સમજાવતા. આખા વિશ્વનો ઇતિહાસ તેમને કહી સંભળાવતા. પ્રાચીન રોમ કે ફ્રેંચ રેવોલ્યુશનનો તેમને પુરેપુરો ખ્યાલ આપતા. ભારત વર્ષના ઇતિહાસના દરેક પૃષ્ઠ ઉપર તેઓ કંઈક નવુંજ અજવાળું પાડતા. ઘડીકમાં શ્રોતાઓનું લક્ષ્ય આર્યપ્રજાનું ભાવી જીવન ઘડવાનાં સાધનો તરફ દોરાતું અને ઘડીકમાં તેને મહાભારતના યુદ્ધ તરફ વળાતું. ભારતવર્ષના પ્રજાકિય જીવનનુ બંધારણ અને મહતા તે સમજાવતા. સ્વામી વિવેકાનંદ જાતે પણ આર્યોની પ્રાચીન સંસ્કૃતિથી એટલા બધા તન્મય થઈ ગયા હતા કે રસ્તામાં કોઈ મુસલમાન પણ મળે તો તેને પણ તે ઘણા માન સાથે નમતા અને એશીયાની સમગ્ર સંસ્કૃતિના એક સંતાન તરીકે તેને તે ગણતા.”

ઘણા પંડિતો વાદવિવાદ કરવાને આવતા. વિવેકાનંદ તેમના તર્કોનું સમાધાન આપતા અને કહેતા કે સંસ્કૃત વિદ્યાનું મૂળ પ્રજાના શિક્ષણમાં રહેલું છે. હિંદના અનુપમેય તત્વજ્ઞાનનો આધાર હિંદુ પ્રજાના જીવન ઉપરજ રહેલો છે. પ્રજાની વ્યવહારિક સ્થિતિને લક્ષ્યમાં નહિ લેવાય ત્યાં સુધી બધુંજ તત્ત્વજ્ઞાન નકામું રહેશે.