પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૫
ભાવીજીવનનો ઉષઃકાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


સઘળા સાધુઓ વિવેકાનંદના વિચારો પુરેપુરા સમજવાનો પ્રયાસ કરતા અને તેમ કરવામાં હિંદુપ્રજાનું ભાવી જીવન ઘડવાના માર્ગોનું સુચન તેમને થઇ જતું. ખ્રીસ્તીધર્મના પાદરીઓ અહીં આવતા અને નરેન્દ્ર તેમના સિદ્ધાંતોને પોતાની અપૂર્વ તક શક્તિવડે તોડી નાંખતો. પછી જ્યારે તેઓ પોતાની ભૂલ કબુલ કરતા ત્યારે તે તેમને ખ્રીસ્તી ધર્મનું ખરું રહસ્ય સમજાવતો. ઘણા વિષયો અહીં ચર્ચાતા. ધર્મ, ઈશ્વરવાદ, ઇતિહાસ, સમાજ શાસ્ત્ર, સાહિત્ય, કળા, વિજ્ઞાનશાસ્ત્ર, તુલનાત્મક ધર્મ, તત્ત્વજ્ઞાન, જડવાદ વગેરે બાબતો વિષે અનેક ચર્ચાઓ થતી. ઘડીકમાં નરેન્દ્ર “ઈશ્વર નથીજ” એ પક્ષ લઇને તે પક્ષને સાબીત કરતો અને ઘડીકમાં તે “ઇશ્વર એજ સત્ય છે” એમ પ્રતિપાદન કરતો. આમ દરેક વિષય અનેક બાજુએથી સમજાવતો. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેશિક, મિમાંસા, વેદાન્ત, સર્વની એકબીજા સાથે તુલના કરવામાં આવતી અને તેમાંના સજાતીય અને વિજાતીય તત્ત્વો ઠસાવાતાં. વેદાન્ત સાથે બુદ્ધધર્મ સરખાવતો અને હિંદના વિવિધ ધર્મો અને પથનો વિચાર ચલાવાતો. વૈષ્ણવ, શૈવ અને દેવધર્મના સ્વરૂપો સમજાવાતાં અને વૈદિક સમયના દેવતાઓ વિષે પણ જ્ઞાન અપાતું. આખરે નરેન્દ્ર સર્વને જણાવતો કે પાશ્ચાત્ય વિદ્યાથી કેળવાયલા હિંદવાસીઓને શ્રીરામકૃષ્ણનું જીવન અને બોધનો અભ્યાસ કરવાની જરૂરજ પડશે. શ્રીરામકૃષ્ણનું જીવન તેમને જડવાદમાંથી પાછા હિંદુધર્મ તરફ લાવશે અને ઉપનિષદનાં સત્ય પ્રમાણે તેમનાં જીવનને ઘડવાની જરૂરીયાત સાબીત કરી બતાવશે.

આ પ્રમાણે નરેન્દ્ર અને તેના ગુરૂભાઈએ પોતાના દિવસો પસાર કરતા હતા અને તેમ કરવામાં તેમનું ભાવી જીવન ઘડાતું હતું. નરેન્દ્ર તેમને હિંદુ ધર્મની મહત્તા સમજાવતો અને તેમને હિંદુ ધર્મના રક્ષક બનાવતો હતો. તેમની પાસે ઉપનિષદો, યોગવાસિષ્ઠ, પુરાણ,