પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


અપૂર્વ યોગ સધાતો અને આખરે શ્રીશંકરાચાર્ય અને કેન્ટના સિદ્ધાંતોના પ્રતિપાદનમાં વાર્તાલાપનો છેડો આવતો.

સવારમાં કેટલોક વખત ધ્યાનમાં બેઠા પછી વિચારોની આપ લે કરવામાં આવતી. સંવાદ આગળને આગળ ચાલતો અને એક પછી એક સઘળા આકર્ષાઈને આખરે એકાદ ઓરડીમાં એકઠા થતા. જેથી મઠની બાકીની જગ્યા જાણે ખાલીજ પડી રહેલી હોય એવો બીજાને ભાસ થતો. કોઈ વાર તો સર્વે એકાદ વૃક્ષની છાયા નીચે બેસી ત્યાંજ કલાકના કલાકો ગાળતા. ઘડીએ ઘડીએ “ગુરૂ મહારાજકી જય” ના પોકારો સંભળાતા. કોઇ વખત એકાદ જણ એક ખુણામાં બેશીને અધ્યયન કરતો જણાતો અને વિવેકાનંદ ફરતા ફરતા તેની પાસે જઈ શું વાંચ્યું છે તે પુછતા, શાસ્ત્રની બારીકીઓ સમજાવતા અને એટલામાં સઘળા સાધુઓ એક પછી એક આવીને ત્યાંજ ટોળે મળી જતા !

એક વખત એક સાધુની માતાએ અંતપુર નામના ગામે સઘળા સાધુઓને બોલાવ્યા. તેઓ ત્યાં ગયા. અહીંની જગ્યા શાંત અને શહેરના ઘોંઘાટથી મુક્ત હતી. અંતપુરનું સાદું જીવન, સ્થળમાં વ્યાપી રહેલી શાંતિ અને સૃષ્ટિ સૈાંદય—આ સર્વવડે કરીને તે સ્થાન ધ્યાનને માટે ઘણું જ યોગ્ય લાગતું હતું. સાધુઓ અનેક બાબતો ઉપર વિચાર કરવા લાગ્યા. આધ્યાત્મિક જીવનના પ્રકાશ અને બળ તેમના હૃદયમાં એવાં ઉછળી રહ્યાં છે જેથી સઘળા સંપૂર્ણ સંન્યાસ ધારણ કરવાને ફરી ફરીને નિશ્ચય કરવા લાગ્યા અને જગતના કલ્યાણને માટે પોતાનું જીવન અર્પણ કરવાનું પણ લેવા લાગ્યા. નરેન્દ્ર પણ પોતાના ગુરૂનાં વચન સંભારીને નિશ્ચય કરવા લાગ્યો કે “જગતના કલ્યાણ માટે હું મારા જીવનને નિયમિત કરીશ અને સાધુ જીવનનાં બે મુખ્ય અંગો કનક-કામિનીનો ત્યાગ એટલે કે બ્રહ્મચર્ય અને ભિક્ષાવૃત્તિને સંપૂર્ણ રીતે પાળીશ. મારું તપ અને અનુભવ