પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯
ભાવીજીવનનો ઉષઃકાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


હું જગતને આપીશ.” તે મોટેથી બોલી ઉઠયો “ૐ શ્રીરામકૃષ્ણાર્પણમસ્તુઃ"

સમય સાયંકાળનો હતો. અંતપુર શાંત થઈ રહ્યું હતું. આ વખતે સાધુઓએ એક ધુણી સળગાવી અને તેની આસપાસ બેશીને પ્રભુનું ધ્યાન ધરવા લાગ્યા. મોટાં મોટાં કાષ્ઠ સળગાવવામાં આવ્યાં અને અગ્નિની જ્વાળાનો પ્રકાશ રાત્રિના અંધકાર સામે ચિત્ર વિચિત્ર આભાસ ઉત્પન્ન કરવા લાગ્યો. કેટલોક વખત સર્વે ધ્યાનગ્રસ્ત રહ્યા પછી નરેન્દ્રે જિસસ ક્રાઈસ્ટની કથા કહેવા માંડી. ક્રાઈસ્ટની બાલ્યાવસ્થા, ઇજીપ્તની મુસાફરી, જ્યુઈશ પંડિતોની સાથે મંદિરમાં બેસવું, વગેરે વગેરે બાબતો એટલા ઉલ્લાસથી કહેવામાં આવી કે સર્વના અંતઃકરણમાં ક્રાઈસ્ટના જીવનનો ચિતાર આબેહુબ ખડો થવા લાગ્યો ! સર્વને ક્રાઈસ્ટનાજ વિચાર આવી રહ્યા; ક્રાઇસ્ટનાં જ વચનો સૌના મનમાં તરી રહ્યાં; ક્રાઈસ્ટના સમયનો આનંદ સૌના મનમાં વ્યાપી રહ્યો; અને ક્રાઈસ્ટના ચારિત્રથી સર્વનાં હૃદય ઉછળી રહ્યાં ! શ્રી રામકૃષ્ણ અને ક્રાઈસ્ટ વચ્ચે સરખાપણું જણાવા લાગ્યું ! મધ્ય રાત્રીનો સમય ક્રાઈસ્ટ અને શ્રી રામકૃષ્ણનાં નામોચ્ચારથી ગાજી રહ્યો ! નરેન્દ્ર સર્વને જગતના ઉદ્ધારાર્થે ક્રાઈસ્ટ જેવા થવાનો બોધ કરવા લાગ્યો અને સર્વેએ તે ધુણીની સમક્ષ સર્વદા સંન્યાસી રહેવાનું વ્રત લીધું ! અને અહાહા ! તરતજ થોડીકવાર પછીથી સર્વને યાદ આવ્યું કે આજનો દિવસ “ક્રીસ્ટમસ ઇવ”નો જ છે !

આજ પ્રમાણે વળી બીજે પ્રસંગે ભગવાન બુદ્ધનું ચરિત્ર ચિતરાતું અને સર્વ સાધુઓ તેના દરેકે દરેક પ્રસંગને પૂર્ણભાવથી હૃદયમાં ઉતારતા. નરેન્દ્રની પ્રેરણાથી મઠમાં સર્વેએ બુદ્ધધર્મનો અભ્યાસ કર્યો, તેઓએ લાલિત વિસ્તારના શબ્દે શબ્દનું મનન કર્યું અને તેમનો આત્મા દુરસ્થ પ્રાચીન સમયમાં વિચરી રહ્યો. તેમનો અંતરાત્મા