પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧
ભાવીજીવનનો ઉષઃકાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


સાદું જીવન અને ઉચ્ચ વિચાર, સનાતન ધર્મનાં અનેક સ્વરૂપ અને અંગોનું પોષણ કરવાને માટે હતું એમ તે પ્રતિપાદન કરવા લાગ્યો.

ઘણી વખત મઠમાં સાયંકાળના સમયે પરમ શાંતિ પ્રસરી રહેતી. તે શાંતિની વચમાં વિવેકાનંદનો મધુર સ્વર પાસેના બાગમાંથી સંભળાતો. આ વખતે બીજા સાધુઓ મંદિરમાં કે ગંગા કિનારે ધ્યાનગ્રસ્ત થઈ રહેલા દેખાતા અને વિવેકાનંદ સાયંકાળની છાયામાં ભજન ગાતા ગાતા અહીં તહીં વિચરતા. પછીથી એકાદ બિલ્વવૃક્ષની વિસ્તૃત શાખાઓ નીચે બેશી ઘ્યાનમાં લીન થઈ જતા !

સ્વામી વિવેકાનંદના મનમાં અનેક વૃત્તિઓ ઉછળી આવતી. અનેક વિચારો વિચારાતા અને જે વૃત્તિ પ્રાધાન્ય ભોગવતી હોય તદ્‌વત તેમનું આચરણ થતું દેખાતું. કોઈવાર તે એક મહાન ભક્ત જેવા દેખાતા તો અન્ય સમયે મહાજ્ઞાની જેવા જણાતા. કોઈવાર તે સર્વને પુછતા કે “અત્યંત નમ્રતા શી રીતે પ્રાપ્ત થાય તે કોઈ બતાવશો આ ઉપાધિનો ઉચ્છેદ શી રીતે થાય ?” સઘળાઓ શ્રીરામકૃષ્ણનું વચન સંભારીને જવાબ આપતા કે “મહારાજ, તમારી ઉપાધિ જગતનેજ માટે છે.” કોઇવાર તેઓ નમ્રભાવનો ત્યાગ કરીને વેદાન્તનો અદ્વૈતભાવ ધારણ કરી રહેતા તો કોઈવાર વળી કંઈક જુદી જ વૃત્તિને ધારણ કરીને તે કહેતા “અત્યંત કષ્ટ સહન કર્યા પછીથી હું આ સ્થિતિને પ્રાપ્ત કરી શક્યો છું.” વળી કોઇવાર અનેક તપાચરણ તેઓ કરતા અને અનેક સાધનાઓ સાધતા ! આવી રીતે સ્વામીજી અનેક ભાવ પ્રગટ કરતા અને જુદા જુદા પ્રસંગે જુદા જુદા સ્વરૂપમાં જણાતા. તેમના જીવનનો ઉંડો અભ્યાસ કરનારજ તેમનું વિવિધ પ્રકારનું ગૂઢ જીવન સમજી શકે.

નાગ મહાશય નામના એક પુરૂષ શ્રીરામકૃષ્ણના પરમ ભક્ત હતા. તે વારંવાર મઠમાં આવતા. પ્રથમ તે વૈદ્યનો ધંધો કરતા