પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
ભાવીજીવનનો ઉષઃકાલ અને મઠમાં જ્ઞાનાનંદ.


જેણે ઈશ્વરનું દર્શન કર્યું નથી તેને ખાવાનું કેવું ?” આ જોઈ સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયાં. પાછળથી ઘણોજ આગ્રહ કરીને કંઇક ખવરાવ્યું.

કેટલીક વખત સ્વામીજી જાતેજ અશ્રુપાત કરતા અને કહેતા કે “અરે, મેં તે શો આધ્યાત્મિક અનુભવ મેળવ્યો છે ? એકવાર દશાની ઝાંખી થઇ તે થઈ ! ઉલટી તે પછી તો વિયોગની આગ વધારે ભડકી ઉઠી છે. અરે, ક્યાં છે પાછી એ પરમ શાંતિ ! મને આટલાથી સંતોષ વળતો નથી ! ભક્તો સાથે વાતચિત કરવી પણ મને ગમતી નથી. સચ્ચિદાનંદ-સદાનું પરમસુખ મારે જોઈએ છે ! આ નામ-રૂપમાં તે ક્યાં સુધી પડી રહેવું ?” કાશીપુરમાં પ્રાપ્ત થયેલી નિર્વિકલ્પ સમાધિનું જ આ સ્મરણ હતું. નરેન્દ્ર હવે નામ-રૂપથી કંટાળ્યો હતો. સચ્ચિદાનંદ સ્વરૂપનું જ તે રટણ કરતો હતો. એક ભક્ત તેને મઠમાં એક દિવસ જોઈને લખે છેઃ “આજે નરેન્દ્રે નવું ભગવું વસ્ત્ર ધારણ કર્યું છે. કેવો સુંદર તે દેખાય છે ! તેનું મુખ બ્રહ્મજ્ઞાનના તેજથી તેજસ્વી બની રહેલું છે, તોપણ તે મુખ ઉપર પ્રભુપ્રેમની કેવી મૃદુતા છવાઈ રહેલી છે ! રાત દિવસ પ્રભુનું જ સ્મરણ કરતા આ સાધુઓને ધન્ય છે !”

સાધુતા અને આનંદનું આવું વાતાવરણ મઠમાં પ્રસરી રહ્યું હતું. રામકૃષ્ણમઠનું સઘળું વાતાવરણ આધ્યાત્મિક ચેતનથી ભરપુર થઈ રહ્યું હતું. જાણે કે મઠનાં વૃક્ષો, ઘાસ, પક્ષીઓ, દિવસનો પ્રકાશ અને રાત્રિનો અંધકાર પણ વૈરાગ્ય અને ત્યાગને ધારણ કરી રહેલાં હોય એમ સર્વને ભાસતું હતું ! આ સાધુઓને મન જગત તૃણવત હતું. માત્ર પ્રભુનેજ તેઓ ઓળખતા હતા. તેઓએ એક પ્રકારનો જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત કર્યો હતો. ખરેખર, આવા સાધુઓજ ખરેખરા વીર પુરૂષો છે.