પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
પ્રવાસી સાધુ.


માર્ગો કયા છે ? હજારો વર્ષથી તેનું જીવન કઈ દિશામાં વહી રહેલું છે ? તેને હવે કઈ દિશામાં વાળવું ? આર્ય જીવનમાં પ્રભુનો હેતુ શો રહેલો છે? આર્યપ્રજાને કયા કયા કાર્યને માટે પ્રભુએ નિર્માણ કરેલી છે ? આ સઘળું શોધી કહાડવાને સ્વામી વિવેકાનંદે ભારતવર્ષનો ઐતિહાસિક દ્રષ્ટિએ અભ્યાસ કર્યો હતો; એટલું જ નહિ પણ ગામે ગામ, સ્થળે સ્થળ, ઝુંપડે ઝુંપડે, પર્વતોની ગુફાઓમાં, રાજાઓના મહેલોમાં અને ગરીબોનાં નિવાસ સ્થાનોમાં ફરી ફરીને તેમણે સ્વાનુભવથી નક્કી કર્યું હતું કે આર્ય જીવન શેમાં રહેલું છે, આર્યજીવનનું મૂળ શેમાં છે, અને આર્યજીવનરૂપી પ્રવાહ કયે માર્ગે વહી રહેલો છે ? એક ખરા સ્વદેશ ભક્ત અને આદર્શ સુધારક તરીકે તેમણે આ કાર્ય બજાવ્યું છે અને ભારતવર્ષના જીવનની રૂપરેખા આંકીને તેના ભાવી ઉદયને માટે સત્ય માર્ગો સુચવ્યા છે.

તેમના ગુરૂભાઇઓમાં આત્મશ્રદ્ધા વધે, તેઓ એકલા રહેતાં શિખે, એક બીજાની સાથે ભાતૃભાવથી બંધાઈ રહે, સાધુઓનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય ભોગવે, ભિક્ષાવૃત્તિથી પોતાનું જીવન ચલાવે, જગતમાં વિચરી અનેક પ્રકારના અનુભવો મેળવે, જ્ઞાનમાં વધારો કરે અને જગતની સેવા કરી તેને હરેક રીતે ઉપકારક થઈ રહે; તેમજ પોતે પણ ગુરૂભાઈઓ જોડે ભ્રાતૃભાવથી બંધાયા છતાં સ્વતંત્રપણે બહાર વિચરે; ભારતવર્ષનાં અનેક સ્થળો-ત્યાંના લોકોના આચાર, વિચાર, ધર્મ, કેળવણી, સામાજીક સ્થિતિ વગેરે-જુવે; તેનો ઉંડો અભ્યાસ કરી ઐતિહાસિક અને આધ્યાત્મિક દૃષ્ટિથી એક સ્વદેશભક્ત સાધુ તરીકે તેમની ઉન્નતિના માર્ગો યોજે; કોઈ એકાન્ત સ્થળમાં કે કોઈ યાત્રાના સ્થાનમાં, જંગલમાં કે પર્વતના શિખર ઉપર વસી ઉચ્ચ આધ્યાત્મિક દિશામાં મગ્ન રહે; એવા વિચારોથી સ્વામી વિવેકાનંદે હવે મઠને છોડવાનો અને ભારતવર્ષ માં એક પરિવ્રાજક સાધુ તરીકે ફરવાનો નિશ્ચય કર્યો.