પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પવિત્ર ધામ ! વિવેકાનંદે આ પવિત્ર સ્થળમાં જવાનો વિચાર કર્યો. આધ્યાત્મિકતા અને વિદ્યાવડે કરીને પ્રાપ્ત કરેલી તેની ઉજ્જ્વલ કીર્તિ ! ગંગા નદીનું ખળખળાટ કરતું વહેતું પવિત્ર જળ ! અનેક ભક્તો, સાધુઓ , દેવાલયો અને સર્વત્ર વ્યાપી રહેલું પવિત્ર વાતાવરણ !! ભગવાન બુદ્ધ અને શ્રી શંકરાચાર્ય જેવાઓનું ઉપદેશસ્થાન ! આવા આવા અનેક વિચારોથી ખેંચાઈ સ્વામીજી બનારસ ગયા. કાશીના સ્ટેશને પહોંચવા પહેલાં ગંગા નદીના પૂલ ઉપરથી જ્યારે તેમણે કિનારા ઉપર બંધાવેલા અનેક સુંદર ઘાટ, ભવ્ય મહેલો અને સુંદર દેવાલયો જોયાં ત્યારે અતિશય સાનંદાશ્ચયપૂર્વક આવી જઈ બનારસ તરફનો પૂજ્યભાવ તેમના હૃદયમાં આવેશથી ઉછળી રહ્યો. પાણીની સપાટીથી ઉંચે દેખાતાં અનેક દેવાલયોના ખંડેરો તેમની નજરે પડી પ્રાચીન ભવ્યતાનું ભાન તાજું કરાવવા લાગ્યાં. સ્વામીજી શહેરમાં ગયાં, અનેક દેવાલયોમાં દર્શન કર્યાં અને પવિત્ર ગંગામાં સ્નાન કર્યું. ઘાટ ઉપર બેસીને ધ્યાન અને ભક્તિમાં કેટલોક સમય ગાળ્યો અને પછી સાધુઓ જોડે વાર્તાલાપ કરવા લાગ્યા. સનાતન ધર્મનો મહિમા હિંદુધર્મના આ મોટા મથકમાં, વિદ્યા અને ભક્તિના આ સ્થળમાં મૂર્તિમંત થઈ રહેલો તેમને ભાસ્યો. હિંદુસ્તાનનો સુધારો તેમણે કંઇક નવીન પ્રકાશવડે જોયો અને અનુભવ્યું કે આર્યજીવનમાં હજી આત્મા–પરમાત્મા-ના અસ્તિત્વ અને સત્યતાનું પુરેપુરૂં ભાન આ મહાન સ્થળમાં જળવાઈ રહેલું છે. આર્યોની આ મહત્તા અને કીર્તિ આ આત્મદર્શન અને ઉન્નત ચારિત્રમાંજ રહેલી છે. સાધુઓનું ગમનાગમન, ભક્તિનો અપ્રતિહત પ્રવાહ, આધ્યાત્મિકતાનું ભાન, દૈવી દર્શન અને આશિર્વાદ પૂર્ણ વાતાવરણ, આર્યહૃદયનો ઉલ્લાસ આ સર્વ તેમની આગળ અકથિત શબ્દોમાં ભારતવર્ષની કીર્તિ વર્ણવવા લાગ્યાં.

કાશીથી કેટલાક માઈલને અંતરે આવેલા સારનાથ નામના