પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૯
પ્રવાસી સાધુ.


સ્થળમાં તે એક દિવસ ગયા. તે સ્થળમાં ભગવાન બુદ્ધે પરમસત્યનો સર્વને બોધ કર્યો હતો. અહીં ઘણો વખત સ્વામીજી ઉભા રહ્યા અને ખંડેર થઈ રહેલા તે સ્થળ ઉપર પુષ્કળ વિચાર કરવા લાગ્યા. હજારો વર્ષો ઉપર ભગવાન બુદ્ધના ચરણકમળવડે કરીને પવિત્ર થઈ રહેલી આ જગ્યાને જોઇને તેમનું હૃદય આનંદ અને માનની લાગણીથી ઉભરાઈ રહ્યું. ભગવાન બુદ્ધને તેમણે નમન કર્યું.

કાશીમાં સ્વામીજીને પોતાના દાદા-સંન્યાસી દુર્ગાચરણ સાંભરી આવ્યા. પોતાની દાદી અને તેમના પુત્ર-વિશ્વનાથ–સ્વામીજીના પિતા–અહીં ગંગા નદીમાં લગભગ ડુબી ગયાનો પ્રસંગ તેમને યાદ આવ્યો. વિશ્વનાથ અને વિરેશ્વર મહાદેવનાં દેવાલયોમાં તે હવે દર્શનાર્થે ગયા. અહીં પોતાના જન્મ વિષે ભુવનેશ્વરી માતાએ જે પુજા કરાવેલી તે વાત મગજમાં તાજી થઈ અને એક પ્રકારનો પૂજ્ય ભાવ તેમના મનમાં ઉભરાઈ આવ્યો. હવે તે પોતાનો સમય ભક્તિ અને ધ્યાનમાં તેમજ અસામાન્ય વ્યક્તિઓની શોધ અને સત્સંગ ગાળવા લાગ્યા. માધુકરી લાવીને પેટ ભરવા લાગ્યા. સાયંકાળના સમયમાં કોઈ ઘાટ ઉપર કે સ્મશાનભૂમિમાં બેસીને તેઓ ધ્યાન ધરતા અથવા ભક્તિતરસથી ભરેલાં ભજન ગાતા. રાત્રે ગંગા કિનારેથી પાછા ફરીને વિશ્વનાથના દેવાલયમાં તે જતા અને ત્યાં થતી ભવ્ય પૂજા અને આરતીથી અનંદમગ્ન બની રહેતા.

કાશીમાં અનેક પંડિતો અને સંન્યાસીઓનો તેમને સમાગમ થયો. પ્રસિદ્ધ તેલંગસ્વામી અને ભાસ્કરાનંદજીનાં દર્શન તેમણે અતિ નમ્ર ભાવે કરી તેમની ચરણરજ માથે ચડાવી હતી. આ બંને અસામાન્ય સંન્યાસીઓ તેમના જ્ઞાનથી અને વક્તૃત્વશકિતથી બહુજ ખુશી થયા હતા.

એક ખરેખરા સંન્યાસી તરીકે વિવેકાનંદ આ દિવસો ગાળતા હતા. ઘણા અનુભવો તેમને પ્રાપ્ત થતા હતા. સાધુનું સ્વાતંત્ર્ય તે