પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પુરેપુરું ભોગવતા હતા. તે જે જે જોતા કે શ્રવણ કરતા તેનો બારીકીથી વિચાર કરતા અને નવી નવી વસ્તુઓનું અવલોકન કરતા. બનારસ જોયા પછી અને ત્યાંના જીવનનું રહસ્ય જાણ્યા પછી તેઓ અયોધ્યા ગયા.

અયોધ્યામાં રામાયણના અનેક પ્રસંગો તેમને યાદ આવ્યા- પોતાની બાલ્યાવસ્થામાં સ્વામીજી શ્રીરામ અને સીતાની મૂર્તિઓને ઘણુંજ ચ્હાતા અને રામાયણની કથાના જ પ્રસંગોને ગવાતા જે બહુ આનંદથી સાંભળતા તેજ પ્રસંગોની ભૂમિ ઉપર આવતાં તે પ્રસંગો તેમના મનમાં ખડા થવા લાગ્યા. તેમણે મનમાં વિચાર કર્યો “આવાં પવિત્ર અને ઐતિહાસિક ગૌરવવાળા સ્થળોમાં વિચરવાને ગમે તેવી અગવડ પણ કોણ નહીં વેઠે !”

ત્યાંથી તેઓ મુગલ બાદશાહોનો મહિમા અને સંસ્મરણોથી ભરપુર એવા આગ્રા શહેરમાં આવી પહોંચ્યા. તાજમહાલની અલૌકિક શોભાએ તેમના મન ઉપર ભારે અસર કરી મુકી. મકાનની શ્રેષ્ઠ સંપૂર્ણતા જોઈને સ્વામીજીનું આધ્યાત્મિક હૃદય આનંદથી ઉભરાઈ ગયું. ભારતવર્ષ તરફ જે અગાધ પ્રેમ તે ધરાવી રહ્યા હતા તે પ્રેમથી તેમણે તાજમહાલને-ભારતવર્ષની એક અલૌકિક વસ્તુને- ખુણે ખુણેથી નિહાળી જોઈ.

વારંવાર તે તાજમહાલ જોવાને જતા. ચંદ્રના અજવાળામાં અને પ્રાતઃકાળમાં પણ અનેકવાર તેને જોવાને તે જંતા, અને તે સમયે તાજમહાલ જે અપૂર્વ શોભા દર્શાવતો તે જોઈને હિંદના કારીગરોની કળા વિષે સાનંદ ગૌરવ લેતા. શિલ્પકળાની આ અદ્ભુત કારીગરીને જોઈને મેગલ બાદશાહ અને તેમની કચેરીઓનું તેમને સ્મરણ થઈ આવી સઘળો ઇતિહાસ તેમના મગજમાં તરી આવ્યો. આથી જતે જતે પણ તેમણે તાજમહાલ તરફ નજર કરી અને દૂરથી