પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
પ્રવાસી સાધુ.


ચળકતું, સફેદ આરસપહાણમાં કોતરાઈ રહેલું, જાણે કે તે એક સ્વપ્ન હોય તેમ તેમને ભાસ્યું !

શ્રીકૃષ્ણ ! યશોદાનો પુત્ર ! ભારતેન્દુ ! ભારતનો જાયો ! ભારતવર્ષનો આત્મા ! યોગેશ્વર ! જિતેન્દ્રિય ! જિતાત્મા ! કરોડો ભક્તાત્માઓનું વિશ્રામસ્થાન ! અનેકનો પ્રેરક ! ઉદ્ધારક ! એક અલૌકિક સંન્યાસી ! અલૌકિક ગૃહસ્થાશ્રમી ! સદાએ સાદો, સદાએ પવિત્ર, જેનું જીવન ગીતામાં આપેલા ઉપદેશનુંજ પ્રતિબિંબ હતું; જેની આજ્ઞાથી અનેક રાજાઓએ પોતાનાં રાજ્યોનો ત્યાગ કર્યો હતો; જેણે પોતે કદી પણ રાજ્યની ઈચ્છા કરી નથી; એવા શ્રીકૃષ્ણ ! આર્યપ્રજાના હૃદયમાં ઉંડા વસી રહેલા શ્રીકૃષ્ણ ! આ કૃષ્ણની બાલ્યાવસ્થાના વિહારસ્થાન, લીલાસ્થાન, વૃંદાવનમાં આગરેથી પગે ચાલતા કેટલાક દિવસે સ્વામીજી જઈ પહોંચ્યા.

એક ગોવાળ તરીકે જંગલોમાં શ્રીકૃષ્ણે ગાળેલું જીવન, કંસવધ, સમરાંગણમાં તેમણે અર્જુનને આપેલો બોધ-આ સર્વ ઉપર તે હવે વિચાર કરવા લાગ્યા. પછીથી યાત્રાળુઓની ભેગા ભળી જઈને તેમણે પરિક્રમા કરી અને જુદાં જુદાં દેવાલયોમાં સ્થાપેલી શ્રીકૃષ્ણની પ્રતિમાઓનાં ઘણાજ ભાવથી દર્શન કર્યાં. શ્રીકૃષ્ણના ચિંતવનથી તેમનો આત્મા ઉંચાવસ્થા ભોગવી રહ્યો. વૃંદાવનના શ્રીકૃષ્ણ માટે શ્રી રામકૃષ્ણદેવ પણ ઘણોજ પ્રેમ ધરાવતા હતા તે યાદ આવ્યું.

હવે સ્વામીજીએ વૃંદાવનથી બદ્રીનારાયણ જવાનો વિચાર કર્યો. પણ પ્રભુએ કંઈક જુદું જ ધાર્યું હતું. એક ઉત્તમ ભક્ત આવા મહાત્માઓની શોધમાં રહેતો હતો અને પ્રભુનો હવે સંકેત હતો કે સ્વામીજીએ તેના ગામ તરફ જવું ! હિંદુસ્તાનમાં એવી માન્યતા ચાલી રહેલી છે કે જો કોઈ મનુષ્ય ગુરૂની શોધમાં હોય તો તે તેને આવી મળે છેજ. આથી કરીને હવે સ્વામીજી હાથરસના સ્ટેશનના