પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


સ્વામીજી પોતાના શિષ્ય પ્રત્યે કેવું વર્તન રાખતા તે વિષે સદાનંદ લખે છે: “હું માંદો હતો અને બેભાન થઈ જતો હતો. સ્વામીજીએ મને મૃત્યુથી બચાવ્યો. એક ઘોડાવાળાની માફક તે મારો ઘોડો દોરતા; રસ્તામાં પૂર્ણ જોસવાળી, કાદવમાં લપસી જવાય એવી અનેક નદીઓમાંથી મને પાર ઉતારતા. જ્યારે હું ઘણોજ માંદો પડ્યો ત્યારે તેમણે મારો સઘળો સામાન, રે, જોડા પણ પોતે ઉંચકી લીધા હતા !”

મઠમાં સઘળા ગુરૂભાઈઓ વિવેકાનંદને પાછા આવેલા જોઇને ઘણાજ ખુશી થયા. પૂજા અને ભજનમાં તે હવે ભાગ લેવા લાગ્યા. પોતે કરેલા પ્રવાસનો અનુભવ સર્વને કહીને સર્વની દૃષ્ટિ વિશાળ બનાવવા લાગ્યા. ભારતવર્ષના આધ્યાત્મિક પુનરોદ્ધારના વિચારો હવે ખૂબ જોસથી તેમના મનમાં ઉભરાવા લાગ્યા, બનારસ, અયોધ્યા, વૃંદાવન, આગ્રા વગેરે સ્થળમાં સ્વામીજીને જે અનુભવ પ્રાપ્ત થયા હતા તે ઉપરથી તે હવે કહેવા લાગ્યા કે હિંદુસ્તાનનો સુધારો આધ્યાત્મિક, ઉત્પાદક શક્તિવાળો અને ઉંચા પ્રકારનો છે. “સઘળું એશીઆ એકજ છે” આ કહેવત ભારતવર્ષમાં ખરી પડે છે. યાત્રાનાં સ્થાનમાં, આધ્યાત્મિક આદર્શોમાં અને સંસ્કૃત વિદ્યાના ઉંડા અધ્યયનમાં આખું ભારતવર્ષ એકજ દેખાય છે. સમાજના બંધારણનાં તત્ત્વો સર્વત્ર એકજ દેખાય છે. કાશ્મીર અને નેપાલથી કેપ કોમેારીન સુધી અને આસામથી મુંબઈ સુધી સરખીજ પૂજા થાય છે. અમરનાથના શિવ, નેપાલના પશુપતિનાથ, તારકેશ્વરના મહાદેવ, કાશીના વિશ્વનાથ અને છેક દક્ષિણમાંના રામેશ્વરના શિવ સધળા એકજ છે.

રામકૃષ્ણમઠ હવે એક ધાર્મિક વિશ્વવિદ્યાલય જેવો બની રહ્યો હતો. તત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓ, સમાજ શાસ્ત્ર, ઇતિહાસ વગેરે બાબતો સંન્યાસીઓ તેમજ બીજા શ્રોતાઓને અહીં આધ્યાત્મિક દૃષ્ટિથી સમજાવવામાં આવતી. સઘળા સાધુઓ સનાતન ધર્મની