પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેમણે પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. આખો દિવસ તેઓ ધ્યાનમાં રહેતા અને રાત્રે શરીરની ક્રિયાઓ કરવા માટે બહાર નિકળતા. માત્ર લીંબડાનાં થોડાં પાંદડાંનો જ તે દરરોજ આહાર કરતા. કોઈ પણ કામ કરવું તે પ્રભુને માટે જ કરવું એ તેમનો સિદ્ધાંત હતો. લોકો તેમને પવન-અહારી અગર પાવરી બાબા કહેતા. દિવસોના દિવસો અને મહિનાના મહિના સુધી તે પોતાના આશ્રમની ગુફામાં ધ્યાનસ્થ થઈ રહેતા અને લોકો તેમના વિષે કંઈ પણ જાણતા નહીં. આખરે એકાદ દિવસ તે બહાર આવેલા દેખાતા અને તે દિવસે લોકો મોટો ઉત્સવ કરતા.

પાવરી બાબા સર્વત્ર પ્રભુનેજ જોતા ! એમના વિષે એવું કહેવાય છે કે એક દિવસ તેમના આશ્રમમાં રાતે ચોર પેઠો હતો. કેટલાંક વાસણ લઇને તે ન્હાસી જવાની તૈયારીમાં હતો એટલામાં પાવરી બાબા જાગી ઉઠ્યા અને પેલો ચોર વાસણ પડતાં મૂકીને ન્હાસવા લાગ્યો. પેલાં વાસણ લઇને પાવરી બાબા દોડતા દોડતા તેની પાછળ ગયા. તેને પકડી પાડી પગે પડી કહેવા લાગ્યા “મને માફ કરજો ! હું તમને કામમાં આડો આવ્યો ! આ વાસણ તમે લ્યો. તે તમારાજ છે ! મારા કરતાં તમારે તેની વધારે જરૂર છે.” આમ કહેતે કહેતે તેમની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. વળી એક વખત તેમને એક કાળો નાગ કરડ્યો; પણ પાવરી બાબા તો તેવાજ હસતા મુખથી કહેવા લાગ્યાઃ “આ તો પ્રભુએ પોતાનો દૂત મોકલ્યો છે !” કોઈ પણ જાતના શારીરિક દુ:ખને તે પ્રભુના આશિર્વાદ રૂપજ ગણતા. તે એક મોટા જ્ઞાની તેમજ પ્રભુના પરમ ભક્ત હતા.

પાવરી બાબાની આસપાસ પવિત્રતાનું વાતાવરણ પ્રસરી રહ્યું હતું, પોતાના ઉપર આ સંત પુરૂષનો ભારે ઉપકાર થયેલો છે એમ