પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


યોગ્ય રીતે ગૌરવ દર્શાવનારું, તેમનો વિકાસ કરનારું અને તેમની પુરેપુરી સમજ આપનારું હોવું જોઈએ. હિંદુ ધર્મ એક જાતનો ભ્રમ નથી; તમે તેમાં ઉંડી ડૂબકી મારો અને તેની મહત્તા તમને સમજાશે. પરદેશીઓના ખોટા ભપકાથી, શિક્ષણથી કે રિવાજોથી દોરવાઈ જશો નહિ; આપણી માતૃભૂમિનો પુરેપુરો અભ્યાસ કરી, આપણી હિંદુ જાતિ શેને માટે નિર્માણ થયેલી છે તે શોધી કહાડો. આપણને જાદુ કરવામાં આવ્યું હોય તેમ આપણે એમજ ધારીએ છીએ કે હિંદુસ્તાને પોતાના જીવનનું આદર્શ ખોટુંજ માની લીધું છે ! આથી વધારે શોકકારક સ્થિતિ કઈ કહેવાય ? આપણે આપણાં સંસ્કૃતિના આદર્શો જોઈ શકતા નથી એજ આપણી ખરી અને હૃદયભેદક ગરિબાઈ છે. જ્યારે આપણને આપણા ખરા આદર્શોનું પુરેપુરું ભાન થશે ત્યારે આપણા સઘળા પ્રશ્નોનું નિરાકરણ એની મેળેજ થઈ રહેશે.

શ્રોતાજનોની આગળ સ્વામીજીએ આ પ્રમાણે કહ્યા પછી તેઓ પાવરી બાબા પાસે જવાને નીકળ્યા. ત્યાં વેદાન્ત અને ભક્તિ ઉપર તે વાતચિત કરવા લાગ્યા. વેદાન્તની વાત કરતે કરતે સ્વામીજી અને પાવરી બાબા સૂક્ષ્મ વિચારમાં એટલા તો ઉંડા ઉતરી ગયા કે તેમની આસપાસના મનુષ્યો તો તેમની વાત સમજી જ શક્યા નહીં. તત્વજ્ઞાનની જુદી જુદી શાખાઓનો આંતર સંબંધ, યોગમાર્ગ, આત્મવિકાસથી બ્રહ્મની પ્રાપ્તિ, આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાનાં અને તેને વ્યવહારિક જીવનમાં અનુકુળ કરવાનાં સાધનો, વગેરે વિષયો ઉપર તેમની વાતો ચાલી. વારંવાર તેમની પાસે જવાથી અને તેમને મુખે વેદાન્તનાં ગુહ્ય તત્વોનું સૂક્ષ્મ વિવેચન શ્રવણ કરવાથી સ્વામીજીનું મન પાવરી બાબા તરફ વધારેને વધારે આકર્ષાયું. તે તેમને અત્યંત ચ્હાવા લાગ્યા. પરસ્પર વિરોધિ ભાસતાં વેદાન્ત