પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯
પાવરી બાબા.


વાક્યની એકવાક્યતા સાધનાર અનેક વચનો તેમના મુખમાંથી ફુલની માફક ઝરવા લાગ્યાં. શબ્દે શબ્દની સ્વામીજી તુલના કરવા લાગ્યા. જ્ઞાનનોના અસ્ખલિત પ્રવાહ વહીજ રહ્યો. પાવરી બાબાનાં વચન પરમાત્મ દર્શનનું ઉંડું રહસ્ય અને સ્વાનુભવ દર્શાવી રહ્યાં હતાં. તેમની પાસેથી સ્વામીજી આધ્યાત્મિક સત્યનું ઉંડું રહસ્ય સમજ્યા. સ્વામીજીએ તેમને પૂછ્યું: “જ્ઞાનનો ઉપદેશ કરવાને તમે બહાર કેમ આવતા નથી ?” બાબાજી બોલ્યા “તમે એમ ધારો છો કે મનુષ્ય મનુષ્યને શરીરથીજ મદદ કરી શકે છે? શરીરની મદદ વગર પણ એક મન અનેક મનુષ્યનાં મનને ગમે તેટલે છેટેથી સહાય આપી શકે છે.” આ ઉત્તરથી સ્વામીજી વધારે માનની લાગણીથી પાવરી બાબા તરફ જોવા લાગ્યા. પાવરી બાબાની પવિત્ર સંનિધિમાં સ્વામીજીએ પરમ સુખ અને શાંતિ અનુભવ્યાં.

આ વખતે કેટલાંક કારણોને લીધે સ્વામીજીને કલકત્તા પાછા જવું પડ્યું. પાવરી બાબાનાજ વિચારો તેમના મગજમાં રમી રહ્યા હતા. મઠમાં તે સર્વને પાવરી બાબાનો સિદ્ધાંત “કાર્યનાં સાધનો અને ફલનું તાદાત્મ્ય સાધો” એ સમજાવવા લાગ્યા. શ્રી રામકૃષ્ણની અનુપમ મહત્તા સૌના મનમાં ઠસાવવા લાગ્યા. તેમના દરેક વચન ઉપર પુસ્તકનાં પુસ્તક લખી શકાય એમ તે કહેવા લાગ્યા. એક ગૃહસ્થાશ્રમી ત્યાં હાજર હતો અને તે શંકા કરવા લાગ્યો કે “તેમ શી રીતે બની શકે ?” સ્વામીજીએ કહ્યું: “હા ! ગમે તે બોધવચન લ્યો અને હું તમને બતાવીશ કે તેમ શી રીતે બની શકે !” ગૃહસ્થાશ્રમીએ એક બોધવચન કહેવા માંડ્યું: “એક સાધુએ પોતાના શિષ્યને ઉપદેશ કર્યો હતો કે આ જગતમાં જે જે દેખાય છે તે સઘળું ઈશ્વરજ છે.” શિષ્યે આ વાતનો શબ્દાર્થ ગ્રહણ કર્યો, પણ તેનું રહસ્ય તે સમજ્યો નહોતો. એક વખત રસ્તામાં થઈને તે જતો હતો ત્યારે સામે એક