પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
પાવરી બાબા.


વગેરે ઉપર અનેક સવાલ પૂછ્યા. સ્વામીજીએ એમના સિદ્ધાંતોની સત્યતા વિજ્ઞાનશાસ્ત્રનાં તત્ત્વોથી સાબીત કરી અને યોગીઓની સિદ્ધિઓ આધુનિક માનસશાસ્ત્રને અનુકુળ છે એમ પ્રતિપાદન કર્યું. કર્નલ રીવેટ કર્નાક નામનો યૂરોપીયન અમલદાર તેમને વેદાન્ત વિષે અનેક પ્રશ્નો પૂછવા લાગ્યો. કર્નાકને શંકા હતી કે વેદાન્તનાં સત્યો વ્યવહારિક જીવનમાં પાળી શકાય નહી ! ઘણીજ વિશાળ બુદ્ધિથી સ્વામીજીએ કર્નાકના મનનું સમાધાન કર્યું. સ્વામીજીએ દર્શાવ્યું કે મનુષ્ય પ્રયત્ન કરે છે, અનેકવાર ખત્તા ખાય છે, દુઃખ ભોગવે છે, છતાં પણ ઉચ્ચ આદર્શને ધારણ કરી રહે છે. આમ ઉચ્ચ આદર્શ અને વ્યવહારમાં પડતાં અનેક સંકટોની વચમાં તેનું જીવન અથડાય છે અને આખરે આમ પ્રયાસ કરતે કરતે આખું જીવન આદર્શમય આધ્યાત્મિકજ બની રહે છે. તેનો અંતરાત્મા કથી રહે છે “આ સઘળું પ્રભુમયજ છે, આ સઘળું દૈવી છે, ઉચ્ચ અને નીચ સર્વ અનંત પ્રભુનાંજ જુદાં જુદાં સ્વરૂપ છે, સમજદાર અને મૂર્ખ સર્વનું અંતિમ લક્ષ્ય સમજ્યો કે વગર સમજ્યે પ્રભુનીજ પ્રાપ્તિ છે. સુખ, દુઃખ, શુભાશુભ, વગેરે સર્વ તેનાંજ પ્રેરક છે.” જ્યારે જીવનનો આવા ઉંચો ખ્યાલ આવે છે ત્યારેજ અનંતત્વનું ભાન થઈને અનંતત્વ અને નિત્યત્વ સિવાય બીજું કાંઈજ જણાતું નથી. દેશ, કાલ અને વસ્તુના ભેદો માત્ર કહેવામાં જ રહે છે. જ્યારે જીવાત્મા યોગ્ય આધ્યાત્મિક વિકાસને પામે છે ત્યારેજ તેને આ દિક્‌કાલાદિથી અબાધિત પરમતત્ત્વ–સત્યનું દર્શન થાય છે.

વક્તા–વિવેકાનંદ આ વાત કહેતાં અત્યંત ઉલ્લાસમાં આવી ગયા. તેમના મુખ ઉપર અત્યંત તેજ છવાઈ રહ્યું. તેમની સાધુતા, વૈરાગ્ય, જ્ઞાન, શક્તિ અને ચારિત્ર્ય પોતાનો પ્રભાવ દર્શાવી રહ્યાં. અદ્વૈતવાદની જાણે કે સાક્ષાત્‌ મૂર્તિ હોય તેમ તે કર્નાક સાહેબને