પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૧


એટલી બધી ગોટપોટ થઇ ગએલી કે તેઓ તે ઉલટા પાશ્ચાત્યોના જેવાજ ધર્મ સમાજો સ્થાપી તેમનાજ ઘાટનાં પ્રાર્થના મંદિર બાંધવાને તથા તેમાં તેમની જ પેઠે બની ઠનીને ફેન્સી ઢબે પ્રાર્થના થઈ શકે એવું કરવાને મંડી પડ્યા હતા. સંયમ અને જ્ઞાનભક્તિના આગારરૂપ મૂળ મહાત્માઓની પરંપરામાં ઉતરી આવવા સાથે સ્વાર્થ, ડોળ અને દુરાચારના ખાડામાં પણ તળીયા સુધી ઉતરી પડેલા ધન કુબેર ધર્મગુરૂઓને અથવા તો ધર્મ મઠોમાં ધોળે દિવસે મશાલો ધગાવીને આરતી ઉતરાવ્યા કરનારા આચાર્યોને તો જાણે કે તે વાતની પંચાત પ્રથમથીજ ન હતી !

ભગવાન દયાનંદ સરસ્વતીએ આવા અગત્યના સમયે પ્રગટ થઈ લોકને અપૂર્વ ચેતના અને ધાર્મિક ચર્ચા તરફ વાળ્યા. ચારિત્રદાયક શિક્ષણ મેળવવાની ચારૂ પદ્ધતિઓ દર્શાવીને તથા દુઃખી, અંત્યજ, અનાથ, શુદ્ર, વગેરે તરફ લક્ષ ખેંચીને આર્ય જનતાના તે આધાર રૂપ હાથ પગોને પરધર્મી પાદરીઓના આઘાતો વડે કપાઈ જતા અટકાવવાનું સમજાવ્યું. પાખંડીઓની પોપલીલા અને પ્રપંચ ખુલ્લાં પાડ્યાં અને એવા બીજા અનેક પ્રકારના અસામાન્ય ઉપકાર કર્યા. મંદિર અને તીર્થોના સ્વાર્થી સાધુઓ તેમને માટે દ્વેષના માર્યા ગમે તેમ બક્યા કરે પણ લાજપત, મુન્સીરામ, હંસરાજ વગેરે જેવા અનેક અસામાન્ય ધર્માભિમાની દેશભકતો દેશને આપનાર આર્ય સમાજના સ્થાપક, અને ગુરૂકુળ જેવી ઉપકારક સંસ્થાઓના પ્રેરક તેમજ નિઃસ્વાર્થ સેવાના સબળ શંખનાદ સર્વથી પ્રથમ ગજાવનાર એ અદ્ભુત મહાપુરૂષે અંધકારમાં અટવાઈ રહેલા ભારતીય જનસમાજને તેની જે દિશાભૂલ દર્શાવી આપી છે; તેમજ સત્યના સુગમ માર્ગો તરફ તેને વલણ આપીને પોતાનું સમગ્ર જીવન તેની સેવામાં જ ગાળવાની સાથે મરણ પણ જેણે તેનેજ ખાતર ભોગવ્યું છે; આવા