પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૦
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પડ્યું. આખરે તેમને અલ્હાબાદમાં એક મિત્રને ઘેર મોકલી દીધા અને સ્વામીજી હૃષીકેશ ગયા.

ફરીથી એકવાર હૃષીકેશમાં ! આ સ્થળ હિંદુધર્મની પવિત્ર દંતકથાઓથી ભરપુર છે. એમ કહેવાય છે કે વ્યાસજીએ અહીંઆં આશ્રમ બાંધ્યો હતો અને તેમાં રહીને તેમણે ચારે વેદના ભાગોને એકઠા કરીને બરાબર ગોઠવ્યા હતા. હૃષીકેશ એક સુંદર અને એકાંત સ્થળ છે. હિમાલયની તળેટીમાં, પવિત્ર ગંગા નદીને કિનારે તે આવેલું છે. જુદા જુદા પંથના હજારો સાધુ સંન્યાસીઓ શિયાળામાં અહીં એકઠા થાય છે, અને તેમણે પોતાના હાથવડે બાધેલાં ઝુપડાં અહીં–તહીં નજરે પડે છે. હૃષીકેશ એક ખીણમાં આવેલું છે અને તેની આસપાસ નાના ડુંગરો આવી રહેલા છે. પવિત્ર ગંગા લગભગ તેની ત્રણ બાજુએ ફરી વળેલી છે, અને તેના પવિત્ર પારદર્શક ઠંડા પાણીનો ઝીણો અવાજ જાણે કે ભક્તોના કાનમાં “હર, હર” એવા શબ્દો ઉચ્ચારતો હોય એમ ભાસે છે ! અનેક પક્ષીઓ સાધુઓનાં ઝુંપડાં આગળ આવે છે અને તેમના હાથમાંથી રોટલીના કકડા ખાય છે. માછલીઓ પાણીની બહાર આવીને હાથમાંથી અન્ન ઝુંટાવી જાય છે. સઘળુ સ્થળ સાધુઓથી ભરેલું જણાય છે.

હૃષીકેશમાં સ્વામીજી અને તેમના ગુરૂભાઇઓ એક ઝુંપડી બાંધીને રહ્યા. ભિક્ષા માગી લાવીને તેઓ આહાર કરતા. એકવાર સ્વામીજીને સખત મંદવાડ થઈ આવ્યો હતો અને તેને પરિણામે એક ઉંડો અનુભવ તેમને થયો હતો. આ અનુભવ આલ્મોરાની ગુફામાં થએલા અનુભવને મળતોજ હતો. તે ગુફાના અનુભવ વિષે સ્વામીજી કહેતા “તે સમયે મારા કર્તવ્યનું જે ભાન મને થયું તેવું ભાન મારા જીવનમાં મને કદીએ થયું નથી. મારા એકાન્તવાસમાંથી જાણે કે તે મને ઘસડીને પરાણે પરાણે બહાર લઈ જતું હોય અને નીચેના પ્રદેશમાં