પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


આંખમાંથી આંસુની ધારા ચાલી રહેતી ! શ્રોતાઓનાં હૃદય પણ રડીજ રહેતાં ! સ્વામીજી પાસે આવનાર મનુષ્યોમાં એક મોલવી સાહેબ પણ હતા. સ્વામીજી કુરાન ઉપર કંઈક નવીન અજવાળું પાડતા અને તેનું ઉંડું જ્ઞાન દર્શાવતા તેથી કરીને મોલવી સાહેબ તેમને અત્યંત ચહાતા. આ હિંદુ સાધુને પોતાને ઘેર બોલાવીને ભિક્ષા કરાવવી એવો વિચાર મોલવી સાહેબનો થયો ! આ વખતે એક પંડિતને ઘેર સ્વામીજી રહેતા હતા. મોલવી સાહેબ પંડિતજીને કહેવા લાગ્યા “આવતી કાલે સ્વામીજીને મારે ઘેર ભિક્ષા લેવા આવવા દો ! હું મારા ઘરમાંથી મારો સઘળો સામાન બહાર કહાડી નાંખીશ અને સઘળું મકાન બ્રાહ્મણો પાસે ધોવરાવી નાંખીશ ! બ્રાહ્મણો પોતે અનાજ લાવશે અને પોતાનાં વાસણોમાં રાંધશે, અને સ્વામીજીને ભિક્ષા કરાવશે. હું એક બાજુએ ઉભો રહી સ્વામીજીને મારે ઘેર ભિક્ષા લેતા જોઈને ઘણોજ રાજી થઈશ અને મારી જાતને ભાગ્યશાળી માનીશ !” પંડિતજીએ હા કહી. મોલવી સાહેબે સ્વામીજીને ભિક્ષા કરાવી અને પોતાની જાતને કૃતાર્થ માની. બીજા પણ ઘણા શ્રદ્ધાળુ મુસલમાનોએ સ્વામીજીને પોતાને ઘેર બોલાવ્યા અને તેજ પ્રમાણે ભીક્ષા કરાવી.

અલવરના દિવાન મેજર રામચંદ્રજીને કાને વાત આવી કે ગામમાં એક મહાત્મા આવ્યા છે. તેમણે સ્વામીજીને પોતાને બંગલે તેડાવ્યા. જ્યારે તેમને સ્વામીજીનો બરાબર પરિચય થયો ત્યારે તેને વિચાર આવ્યો કે મહારાજા મંગલસિંહજી ઇંગ્રેજી આચાર-વિચારના થઇ ગયેલા છે, આ સ્વામીજી તેમને જલદીથી ઠેકાણે લાવશે ! આથી કરીને તેમણે મહારાજાને લખી મોકલ્યું કે ઈંગ્રેજીનું ઊંડું જ્ઞાન ધરાવનાર એક સાધુ અહીં આવેલા છે. બીજે દિવસે મહારાજા આવ્યા અને સ્વામીજી જોડે વાત કરવા લાગ્યા.