પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૯
દીલ્લી અને અલવર.


આ તમારા અધિકારીઓ તેના ઉપર થુંકતાં આંચકો ખાય છે. આ છબી માત્ર તમારી છાયા રૂપજ છે, તો પણ તેને જોવાથી તેમને તમારું સ્મરણ થાય છે અને તેના તરફ નજર કરતાં તમેજ તે છો એમ તેમને જણાય છે. આથી કરીને જેવી રીતે તેઓ તમને માન આપે તેવીજ રીતે તેઓ તમારી છબીને પણ માન આપે છે. પ્રભુની પ્રતિમાને પૂજનાર ભક્તોની બાબતમાં પણ તેમજ છે. પ્રતિમા તેમને તેમના ઈષ્ટદેવનું સ્મરણ કરાવે છે, અથવા પ્રભુના ગુણોનું ભાન કરાવે છે. પ્રતિમાથી તેમના વિચારો એકાગ્રતાને પામે છે અને દૈવી ગુણો તેમનામાં ઉતરે છે. તે પથ્થરને લોકો પથ્થર તરીકેજ પૂજતા નથી. મેં ઘણાં સ્થાનોમાં પર્યટણ કરેલું છે; પણ કોઇ સ્થળે કોઈ પણ હિંદુને “ઓ પથ્થર, હું તારી પૂજા કરું છું ! મારા તરફ દયાલુ થા !” એવું કહીને પૂજા કરતો જોયો નથી, મહારાજા ! સર્વે પ્રભુનેજ પૂજે છે.” હવે મહારાજા મંગલસિંગજી હાથ જોડીને કહેવા લાગ્યા “બાપજી, તમારા કહ્યા પ્રમાણે પથ્થરની પૂજા કરતો તો મેં પણ એકે મનુષ્ય જોયો નથી. અત્યાર સુધી મૂર્તિ પૂજાનું રહસ્ય હું જાણતો નહોતો. તમેજ મારી આંખો ઉઘાડી છે.”

સ્વામીજી એ પછી રજા લઈને સભામાંથી ચાલ્યા ગયા. મંગલસિંગજી વિચાર કરતા બેસીજ રહ્યા અને બોલ્યા “દિવાનજી, આવા મહાત્માને મેં કદી જોયા નથી. તે અહીં થોડો વખત વધુ રહે તેમ કરજો.”

ઘણી અરજ કર્યા પછી સ્વામીજીએ થોડોક વખત રહેવાની હા પાડી; પણ એમણે એક શરત કરી કે સઘળા લોકો, ગરીબ અને તવંગર, સર્વને સરખીજ રીતે તેમની પાસે આવવા દેવા.

ઘણા માણસો તેમની પાસે આવવા લાગ્યા. યુવાન અને વૃદ્ધ તેમનો લાભ લેવા લાગ્યા. એક વૃદ્ધ મનુષ્ય દરરોજ તેમની પાસે આવતો અને પ્રભુકૃપા શી રીતે થાય તે પુછતો. સ્વામીજીએ તેને કેટલીક