પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
૨૨૩
દીલ્લી અને અલવર.


જોયા. એટલામાં સ્વામીજી જાગી ઉઠયા. પાશ્ચાત્ય વિદ્યાથી અલંકૃત થયેલા જગમોહનલાલના મનથી સઘળા સાધુઓ પેટભરાજ લાગતા હતા. સ્વામીજી જોડે વાત કરતાં તેમનો ગર્વ ઉતરી ગયો અને ત્યાગ ધર્મની મહત્તા તેમને સમજાઈ. સ્વામીજીના બોધની એમના ઉપર એટલી બધી અસર થઈ કે એમણે એમના રાજાને વાત કરી અને રાજાજી બોલ્યા “હું જાતે જઈને તેમને મળીશ.” મહારાજાનો આ ઇરાદો સાંભળીને સ્વામીજી જાતેજ તેમને ઉતારે ગયા.

ખેત્રીના મહારાજાએ સ્વામીજીનો ઘણોજ આદર સત્કાર કર્યો. કેટલાક દિવસ સુધી રાજાએ સ્વામીજીનો સમાગમ કર્યો. અંતે તેઓ બહુ આગ્રહ કરીને સ્વામીજીને ખેત્રી તેડી ગયા અને તેમના સત્સમાગમનો પુષ્કળ લાભ લેવા લાગ્યા. સ્વામીજીએ અહિં એક પંડિત પાસે પતંજલીકૃત મહાભાષ્ય શિખવા માંડ્યું. થોડાજ વખતમાં તે ગ્રંથ પુરો થઈ જઈ શિષ્ય પાછા ગુરૂ થઈ રહ્યા ! એક વખત મહારાજાએ સ્વામીજીને એક પુસ્તક વાંચતા જોયા. તેઓ એટલી ઝડપથી વાંચતા કે જાણે પાના ઉથલાવ્યા કરતા હતા. કોઈ કોઈ જગાએ તે ઉંડા મનનમાં પણ પડી જતા. આ જોઈ મહારાજા બોલી ઉઠ્યા "સ્વામીજી, આટલું જલદી તમે શી રીતે વાંચી શકો છો ?” સ્વામીજીએ જવાબ આપ્યો “બાળક પ્રથમ એકએક અક્ષર વાંચે છે પછીથી તેની દ્રષ્ટિ એકેક શબ્દનું ગ્રહણ કરે છે, અને મોટું થતાં તે વાક્યોનું ગ્રહણ કરે છે. આમ ધીમે ધીમે જેમ સમજશક્તિ વધતી જાય છે તેમ તેમ તેની દ્રષ્ટિ મોટા મોટા ફકરાઓને પણ જલદીથી ગ્રહી લે છે. આ સઘળાનો આધાર અભ્યાસ, અસ્ખલિત બ્રહ્મચર્ય અને મનની ગ્રહણ શક્તિ ઉપર રહેલો છે. ગમે તે પ્રયાસ કરે અને તેનો તેજ અનુભવ સૌને થશે.”