પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫
દીલ્લી અને અલવર.


થઈ શકે છે. સ્વામીજી જેવા સંગીતવેત્તા, ગાયનના ઉસ્તાદ, સંગીતના પરિક્ષક અને જ્ઞાની પુરૂષના મનમાં ઉત્તમ કોટીના ગાયનથી આધ્યાત્મિક ભાવો ઉછળી રહે એમાં નવાઈ નથી.

આજકાલ સંગીતમાં શૃંગાર રસનેજ પ્રધાનપદ આપવામાં આવે છે, ગાનાર અને સાંભળનાર શૃંગારનેજ ચ્હાય છે, તેમજ સંગીત વિદ્યાના નિયમોનું પણ બરાબર પાલન થતું નથી. નહિ તો સંગીત એ પાંચમો વેદ છે અને મનને એકાગ્ર કરી ઈશ્વરમાં લગાડવાનું અતિ ઉપયોગી સાધન છે.

સંગીતની આ મહત્તા આજકાલ ભૂલી જવાઈ છે તેથીજ એ ધંધો અધમ ગણાય છે. મહારાજા અજીતસિંહજીના દરબારમાં તેમ નહોતું. પ્રભુના પરમભક્ત સુરદાસકૃત ભજન તે કન્યા ગાઈ રહી હતી. પ્રભુની સર્વ વ્યાપકતા અને અનેકવિધ મહત્તાનું જ તે પ્રતિપાદન કરી રહ્યું હતું. ભજનના સુંદર શબ્દોમાં એક ભક્તની આત્મસાક્ષાત્કારને માટે તાલાવેલી જણાઈ આવતી હતી. કન્યા ઘણા ઉલ્લાસથી અને ભક્તિભાવથી તે ગાઈ રહી હતી.

સ્વામીજી સાંભળતે સાંભળતે સ્થિર થઈ ગયા. તેમના મુખ ઉપર અત્યંત તેજ છવાઈ રહ્યું. એક સમાધિનિષ્ટ જેવા તે જણાવા લાગ્યા. બ્રહ્મભાવ તેમના હૃદયમાં ઉછળી રહ્યો. તેઓ ભાવસમાધિમાં સ્થિર થઈ ગયા. કન્યાએ એવા ભાવ અને ઉંડી લાગણીથી ગાયું હતું કે તેના શબ્દોએ સ્વામીજીના હૃદયમાં અદ્ભુત આધ્યાત્મિક ભાવ જગાડ્યા હતા. ગાયન પુરું થયા પછી સ્વામીજીએ “ધન્ય માતા” કહીને ધન્યવાદ આપ્યો.