પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૨૩

 અને અર્થ રૂપી ડાળ ઉપર ચોતરફથી ચાલી રહેલા કુઠારાઘાતને પરિણામે તેનો સર્વનાશ નજીક આવતા તેમણે પોતાની સુતીક્ષ્ણ દૃષ્ટિવડે સવેળા જ જોઈ લઇને તેના ઉપાયો શોધવા, સાધવા અને ઉપદેશવા પાછળજ બંનેએ પોતાનાં જીવન ગાળ્યાં હતા.

ભારતવાસીઓમાં અત્યારે બ્રહ્મચર્ય અને નિષ્કામ સેવા ધર્મની જે મોટી જરૂર મનાઈ રહી છે, તે બાબત તરફ પોતાની જાતના દાખલાથી, વિરોચિત સહનશીલતાથી, સતત શ્રમપરાયણતાથી, અને અસરકારક ઉપદેશોથી દેશને પ્રથમ સ્વામી દયાનંદ સરસ્વતીએ દોરવ્યા પછી સ્વામી વિવેકાનંદજીએ પણ એ બાબતો તરફ જનસમાજની આંખો ખોલવામાં બાકી રાખ્યું નથી. આ બંને મહાપુરૂષો જેમ અખંડ બ્રહ્મચારી તરીકે અસામાન્ય હતા તેમ તેઓ વક્તૃત્વ શક્તિમાં, વિદ્વતામાં, યોગ સાધનામાં, શરીરના મજબૂત બાંધામાં, ભવ્ય અને પ્રતિભાપૂર્ણ ચહેરામાં, ભારતના ભૂત ગૌરવને ભક્તિભાવે સ્મરી તેનું ભાવી પણ તેવું જ ભવ્ય રચાય તેમ કરવામાં અને દેશનો સર્વનાશ કરવાને મિત્રના વેશે મંડી પડેલાં સત્વોને સવેળા ઓળખી લઈ તેમના પંજામાંથી તે વહેલું છૂટે તેમ કરવામાં પણ તેઓ અસામાન્યજ હતા.

આમ છતાં જનસમાજ પ્રત્યે આ વ્યક્તિઓને જે કામ બજાવવાનું હતું તેના પ્રકાર જુદા હતા. જ્વરપીડિતને કડવા ઘૂંટ પાવા એ પણ સેવા; અને જ્વર મુકત થયા પછી શક્તિ માટે શેરે શેરનો શીરો જમાડવો એ પણ સેવાજ છે; પરંતુ એક સેવામાં દરદીની નારાજી વહોરવી પડે છે, ત્યારે બીજા પ્રકારની સેવાથી તે ખુશ ખુશ થઈ જાય છે. આમાંનું પહેલા પ્રકારનું કાર્ય સ્વામી દયાનંદજીને ફાળે આવ્યું હતું અને બીજા પ્રકારનું કાર્ય વિવેકાનંદજીને બનાવવાનું હતું, જે ધર્મના પોતે સ્તંભ ગણાય અને જે તીર્થો તથા દેવમંદિરો ધર્મનાં