પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


તેમણે દિલગીરી દર્શાવી કે ઘણા ખરા પાદરીઓ હજી ક્રાઇસ્ટનું જીવન બરાબર સમજતા નથી અને તેના બોધ પ્રમાણે પોતાનું જીવન ગાળતા નથી. ક્રાઈસ્ટે કોઈ પણ ધર્મને વખોડ્યો નથી કે કોઈ પણ પ્રજાનો તિરસ્કાર કર્યો નથી. છતાં અફસોસ, તેના અનુયાયીઓ આજે કેવું જીવન ગાળી રહેલા છે ! પછી તેમણે હિંદુધર્મની પાશ્ચાત્ય ધર્મવિચાર ઉપર કેવી અસર થઈ રહી હતી અને મધ્ય તથા પશ્ચિમ એશીઆમાં વિચારોની કેવી આપ લે થઈ રહી હતી તે જણાવ્યું. ઐતિહાસિક દૃષ્ટિએ હિંદુધર્મનું મહત્વ કેટલું બધું છે, પ્રાચીન હિંદના શિક્ષણની મહત્તા કેટલી છે અને જગતમાં ધાર્મિક વિચારોને ફેલાવવામાં હિંદુઓનો આધ્યાત્મિક અનુભવ હવે કેવો ઉપયોગી થઈ પડશે, તે તેમણે ઘણી જ વિશાળ દૃષ્ટિથી સમજાવ્યું. સનાતન ધર્મની ખુબીઓ જણાવી; સર્વ સામાન્ય સિદ્ધાંતોની કસોટિએ તેમને ચ્હડાવીને પ્રાચીન ઋષિઓની દીર્ઘ દૃષ્ટિનું ભાન કરાવ્યું અને આખરે શ્રીરામકૃષ્ણ પરમહંસની જીવનકથા કહી સંભળાવી.

હિંદની ભવ્ય પ્રાચીન ઇમારતો અને ખંડેરો જોઈને સ્વામીજી ઘણાજ ખુશી થતા. જૂનાગઢમાં તે જોવાની તેમને સારી તક મળી. ગિરનાર પર્વત ઉપર હિંદુઓ, જૈન અને બૌદ્ધોનાં અનેક દેવાલયો આવેલાં છે. સ્વામીજી ગિરનાર ઉપર ચ્હડ્યા અને ઘણા ભાવથી તે પ્રાચીન સ્થળો જોવા લાગ્યા. ઉંચામાં ઉંચા એક શિખર ઉપર જઈને તે બેઠા અને ત્યાંથી સમસ્ત ભારતવર્ષ ઉપર તે પોતાની દૃષ્ટિ નાંખવા લાગ્યા. આખું ભારતવર્ષ એક તીર્થસ્થાન જેવું તેમને જણાવ્યું. નાની નાની દેહેરીઓ અને મંદિરવાળું જાણે કે તે એક ભવ્ય દેવાલય હોય એમ તેમને ભાસ્યું. મહાભારતના સમયની કીર્તિ તે નિહાળવા લાગ્યા. ત્યાંથી ઉતરીને એક ગુફામાં જઈને તે બેઠા અને કેટલાક દિવસ સુધી ત્યાં એકાંતમાં રહ્યા.