પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩
કન્યાકુમારીમાં.


શક્તિ હતી. વાત ગમે તો સ્પેન્સર વિષે હોય; ગમે તો કાળીદાસ કે શેક્સપીયર વિષે હોય; ડાર્વીનનો પ્રગતિવાદ, યાહુદીઓનો ઇતિહાસ, આર્ય સંસ્કૃતિનો ઉદય, વેદધર્મ, મુસલમાન ધર્મ કે ખ્રિસ્તી ધર્મ, ગમે તે વિષે પ્રશ્ન પૂછ્યો હોય, પણ સ્વામીજીના મુખમાંથી તેનો તરતજ યોગ્ય જવાબ નીકળી આવતો ! તેમના ચહેરા ઉપર સરલતા, સાદાઈ અને ભવ્યતા સદા તરવર્યા કરતાં. પવિત્ર અંતઃકરણ, તપસ્વી જીવન, ખુલ્લુ હૃદય, ઉદારવૃત્તિ, વિશાળ દૃષ્ટિ અને સર્વને માટે લાગણી – આ સ્વામીજીનાં ખાસ લક્ષણો એ સમયે પણ તેમનામાં સારી પેઠે જણાઈ આવતાં હતાં.”

પ્રોફેસર સુંદરરામનો પુત્ર લખે છે કે, “જાણે એક રાજકુંવર આવતો હોય તેવો દેખાવ તેમનો લાગતો હતો. તેમણે જો સંન્યાસીનો ઝભ્ભો પહેર્યો નહોત તો અમે તેમને એક રાજકુંવરજ ધાર્યા હોત. તેમના વિચારો અદ્ભુત હતા. ભારતવર્ષના ભાવીનો આખો પ્રશ્ન તેઓ પોતાના મનમાં વિચારી રહ્યા હતા અને તેનો ઉકેલ તેમને તેની એકતામાં અને મૂળ શક્તિઓની ખીલવણીમાં જણાઈ રહ્યો હતો. તેઓ એક અલૌકિક પુરૂષ હતા. ત્રીવેંદ્રમમાં સઘળા ધારવા લાગ્યા કે ભારતવર્ષનું કલ્યાણ કરવાનેજ આ મહાપુરૂષનો જન્મ થયેલો છે.”

ત્યાંથી સ્વામીજી મદુરા ગયા. ત્યાં રામનાદના રાજા ભાસ્કર સેતુ પતિની તેમણે મુલાકાત લીધી. એ રાજા પણ ભાવીક અને સુશિક્ષિત હતો. સ્વામીજીનું જ્ઞાન અને ત્યાગ જોઇને તે તેમનો શિષ્ય થઈ રહ્યો. સ્વામીજીએ પોતાના કેળવણી સંબંધીના અને ખેડુત વર્ગની સ્થિતિ સુધારવા સંબંધીના અનેક વિચારો તેને કહ્યા. ભારતવર્ષના આધુનિક પ્રશ્નો અને હિંદની ગુહ્યશક્તિઓ વિષે તે ઘણાજ જુસ્સાથી બોલી રહ્યા. રાજાના મન ઉપર તેથી ભારે અસર થઈ. તેમણે સ્વામીજીને શિકાગોમાં ભરાનારી સર્વધર્મ પરિષદમાં જવાની અરજ