પૃષ્ઠ:Swami Vivekanand.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૬
સ્વામી વિવેકાનંદ–ભાગ ૯ મો–જીવનચરિત્ર.


પુનરોદ્ધાર હવે થવોજ જોઈએ અને પ્રાચીન સમયમાં આર્ય શિક્ષણ જે જુસ્સો, ઉત્સાહ અને આશાથી આપવામાં આવતું હતું તેજ જુસ્સાથી અને આશાથી તે પાછું અપાવા માંડવું જોઈએ. આર્યોનું જીવન ધર્મ છે અને તે ધર્મની જાગૃતિમાંજ તેમનું કલ્યાણ છે. આમ સ્વામીજીને વધુને વધુ દૃઢપણે સમજાવા લાગ્યું.

જે આધ્યાત્મિક ચેતન વડે હિંદ પ્રાચીન સમયમાં સર્વ ધર્મોની જનની અને સર્વે પ્રજાઓનું મધ્યસ્થાન બની રહ્યું હતું તે ચેતનનો પુનરોદ્ધાર કરવાથીજ ભારતવર્ષ ભાવી સમયમાં પોતાનું શ્રેય સાધી શકશે એ તેમનો નિશ્ચય દૃઢ થયો.

હિંદના પ્રવાસમાં સ્વામીજીએ ગરીબો વિષે વિચાર કરતે કરતે અનેક રાત્રિઓ નિદ્રા વગર પસાર કરી હતી. હવે તે વિચારો નિશ્ચયના રૂપમાં બદલાઈ ગયા. ગરિબોને તે નારાયણનાં સ્વરૂપ ગણતા અને તેમને નારાયણ કહીનેજ સંબોધતા. તેમના ઉદ્ધાર માટે પુષ્કળ ધનની પણ જરૂર તેઓ જોતા. પરંતુ હિંદના અજ્ઞાન, અંધશ્રદ્ધાળુ, સ્વાર્થપરાયણ અને પ્રપંચ પાખંડનેજ વશ વર્તવાવાળા ઘણા ખરા ધનવાનો અને વિદ્વાનો વગેરે તેમને અને તેમના વિચારોને એકાએક સમજી માન આપે એમ તેમને પોતાની મુસાફરીના અનુભવ ઉપરથી લાગતું નહોતું.

તેમના વિચાર સ્વપ્નતુલ્ય નહોતા, પણ તે એક પ્રકારની જીવંત શક્તિરૂપે હતા. આખરે તે બોલી ઉઠ્યા: “હા, મારે હવે શું કરવું તે મેં ખોળી કહાડ્યું છે. મારે હવે પાશ્ચાત્ય પ્રદેશમાં જવું જોઈએ અને ત્યાં ભારતવર્ષના અને સમસ્ત જગતના કલ્યાણ માટે પ્રયત્ન કરવો જોઈએ. પાશ્ચાત્ય ભૂમિ ધનવાન, સત્તાવાન, કીર્તિવંત અને વ્યવહાર પરાયણ છતાં પણ પોતાના વિચાર સ્વાતંત્રયના બળે ઉચ્ચ સત્યોને અને માનવ યોગ્યતાને સમજી સ્વીકારનાર વ્યક્તિઓને ત્યાં